નાસિકનાં તન્વી ચવ્હાણ-દેવરે 32 કિલોમીટર લાંબી ઇંગ્લિશ ચેનલ પાર કરનારાં દેશનાં પ્રથમ મહિલા બન્યાં છે. જોડિયાં સંતાનોની માતા તન્વીએ એટલાન્ટિક મહાસાગરમાં માઇનસ 16 ડિગ્રી તાપમાનમાં 17 કલાક અને 42 મિનિટ સુધી તરીને ચેનલ પાર કરી હતી.
તન્વીએ બ્રિટનના ડોવર શહેરથી 32 કિલોમીટર દૂર ફ્રાન્સના કેપ બ્લેન્ક નેજ સુધી તરીને જવાનું હતું પરંતુ ભારે વમળો અને ઊછળતાં મોજાંને કારણે નિયત રૂટ બદલવાની ફરજ પડી હતી અને વિન્સેટમાં ફ્રાન્સીસી કિનારા સુધી પહોંચવા માટે વધારાના 10 કિલોમીટરનું અંતર કાપવું પડ્યું હતું. હવામાનમાં તીવ્ર ફેરફાર થવાથી તેમના ત્રણ સાથી પહેલાં જ પરત ફરી ચૂક્યા હતા. જોકે તન્વીએ હાર માની નહોતી. દરિયાનાં મોજાંએ તન્વીને પણ ત્રણ કલાક સુધી ઘેર્યાં હતાં પરંતુ તેમણે દૃઢ સંકલ્પ અને મજબૂત મનોબળના સહારે પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું.
ઇંગ્લિશ ચેનલ શું છે?
ઇંગ્લિશ ચેનલ એટલાન્ટિક મહાસાગરની એક ખાડી છે, જે ઇંગ્લેન્ડને ફ્રાન્સથી અલગ પાડે છે. તરણ સ્પર્ધા બ્રિટનના ડોવરથી શરૂ થાય છે અને ફ્રાન્સમાં કેપ ગ્રિસ નેજ ખાતે પૂરી થાય છે. સ્પર્ધકોએ 24 કલાકમાં આ અંતર પાર કરવાનું હોય છે. જોકે તન્વીએ આનાથી ઘણા ઓછા સમયમાં આ અંતર પૂરું કર્યું હતું.
નૈનીતાલમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ
તન-મનની આકરી કસોટી કરી લે તેવી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તન્વીએ 15 ડિગ્રી સેલ્સિયસમાં 6 કલાક સુધી તરવાનું જરૂરી હતું. તન્વીએ શિયાળામાં નૈનીતાલમાં 11 ડિગ્રી તાપમાનમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ પૂરો કર્યો હતો. પછીથી તેમણે રિલે અને વ્યક્તિગત સ્પર્ધાઓમાં પસંદ કરાયાં હતાં. રિલે ટીમમાં તન્વીની સાથે બે ભારતીય, એક અમેરિકન અને એક બ્રિટિશ તરવૈયા પણ હતા. તેઓએ 13થી 14 જૂન વચ્ચે યોજાયેલી રિલે સ્પર્ધા પણ સફળતાપૂર્વક પાર કરી હતી.
દરરોજ 8 કલાકનો અભ્યાસ
તન્વી માત્ર 7 વર્ષની વયથી જ ઇંગ્લિશ ચેનલમાં તરવા માટે બેંગલૂરુના તરણકળાના મુખ્ય કોચ શ્રીકાન્ત વિશ્વનાથન અને નાસિકના સેવાનિવૃત્ત કોચ શંકર માલગુંડી પાસેથી રોજ 7થી 8 કલાકની તાલીમ લેતાં હતાં. તેઓ અઠવાડિયામાં એક વાર 11થી 15 કલાક તરવાની પ્રેક્ટિસ કરતાં હતાં.