ચહેરાની સુંદરતાની સાથે સાથે હાથની સુંદરતા પ્રત્યે યુવતીઓ હવે સજાગ થઈ ગઇ છે. તેથી હાથને બ્યુટીફૂલ બનાવવા નેઇલ આર્ટ કરાય છે. નેઇલ આર્ટમાં પણ ડિઝાઇનની કોઈ કમી નથી. એક એકથી ચડિયાતી અને મનમોહક ડિઝાઇન અવેલેબલ છે. એમાં આ ગરમીમાં મનને ઠંડક આપતી ફૂલોની ડિઝાઇનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સરસ મજાનાં ફૂલોને નખ ઉપર ચિતરવામાં આવે તો એક પ્રકારના પોઝિટિવ વાઇબ્સ આવે છે. મન પ્રફુલ્લિત રહે છે. એમાંય ફ્લાવર પ્રિન્ટના આઉટફિટ કેરી કરવામાં આવે તો જાણે સોનામાં સુગંધ ભળશે. તમારા સ્ટાઇલિશ લુકને ચાર ચાંદ લાગી જશે. આથી જ આજે આપણે ફૂલોમાં પ્રખ્યાત એવા સનફ્લાવર નેઇલ આર્ટની વાત કરીશું.
• એક્રેલિક સન ફ્લાવર: આ ડિઝાઇન બનાવવા અનામિકા અથવા તમારી મનગમતી કોઈ પણ આંગળી પર લાઇટ પિંક કલરની નેઇલ પોલિશ કરો. બાકીની આંગળી ઉપર યલો, લેમનના શેડની નેઇલ પોલિશ ટ્રાય કરો. હવે જે આંગળી પર લાઇટ કલર કર્યો છે એના ઉપર સનફ્લાવરની ડિઝાઇન યલો કલરના નેઇલ આર્ટથી બનાવો. સનફ્લાવર ડ્રો કરતાં ન ફાવે તો બજારમાં મળતાં એવાં સ્ટિકરનો ઉપયોગ પણ કરી શકો છો.
• પ્લે ફૂલ સનફ્લાવર: દરેક આંગળી ઉપર પિંક અથવા તમારા મનગમતાં લાઇટ શેડ્થી નેઇલ પેઇન્ટ કરી દો. પછી દરેક આંગળી ઉપર નાનાં નાનાં સનફ્લાવરની ડિઝાઇન બનાવો. એક આંગળી પર નખના છેડે બનાવો તો બીજી આંગળીમાં નખની વચ્ચોવચ બનાવો.
આમ, બધા નખમાં અલગ જગ્યા પર ડિઝાઇન બનાવી દો.
• બ્લેક સનફ્લાવર: આ ડિઝાઇનથી તમારા નેઇલ ઉપર પાવરફુલ વિઝયુઅલ જોવા મળશે. એમાં સૌથી પહેલાં બ્લેક કલરથી નેઇલ પેઇન્ટ કરીને બેઝ બનાવી લો. બ્લેક કલર ઘણી યુવતીઓનો હોટ ફેવરિટ કલર હોય છે. નેઇલ પેઇન્ટ થઇ જાય પછી ગોલ્ડન કલરથી સનફ્લાવર બનાવો. આ ડિઝાઇન દરેક આઉટફિટ સાથે આકર્ષક લુક આપશે.
• સ્ટોન સનફ્લાવર: જેમના નખ લાંબા છે એમના માટે સ્ટોન સનફ્લાવર પેટર્ન યુનિક લાગશે. સ્ટોન અને સનફ્લાવરનું કોમ્બિનેશન કમાલનું છે. આ ડિઝાઇનમાં સનફ્લાવર ડ્રો કર્યા બાદ કોઈ એક નેઇલ ઉપર સ્ટોન લગાવવાના છે.
• કોરલ સનફ્લાવર: તમારે એક રંગ બ્રાઇટ યલો લેવાનો છે અને બીજો રંગ કોરલ અને પીચ લેવાનો છે. એક આંગળીના નખ ઉપર આખું સન ફ્લાવર બનાવવાનું છે.
• પિંક સનફ્લાવર: જેમના નખ નાના હોય એમને પણ નેઇલ આર્ટ કરવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. એમના માટે આ ડિઝાઇન બેસ્ટ છે. સૌથી પહેલાં પિંક કલરથી નેઇલ પેઇન્ટ કરી દો. પછી યલો કલરથી સનફ્લાવરની ડિઝાઇન બનાવો.
દરેક યુવતીને પરફેક્ટ સનફ્લાવર બનાવતાં આવડે એવું શક્ય નથી. બીજું, ઘણી યુવતીઓ માટે જાતે ડિઝાઇન ડ્રો કરવી શક્ય નથી. તો તેઓ આ પ્રકારની નેઇલ આર્ટ બહાર કરાવીને યુનિક લુક મેળવી શકે છે.