હોઠની ખૂબસૂરતી જાળવવા આટલું કરો

Wednesday 10th January 2018 05:07 EST
 
 

મોસમ કોઈ પણ હોય તમારા હોઠ કોઈ પણ સિઝનમાં સુકાઈ જવાની સમસ્યા સામાન્ય હોય છે. હોઠ શરીરનું અત્યંત સંવેદનશીલ અંગમાંથી એક છે તે ખૂબ જડ નાજુક હોય છે. તેથી લિપની લવલીનેસ બરકરાર રાખવા માટે અહીં સરળ ઘરગથ્થુ ઉપાયો આપ્યાં છે. ખાસ કરીને ઠંડીમાં હોઠ ફાટવાની સમસ્યા નડતી હોય છે. જરાક અમથી ઠંડી પડે તો પણ એની પહેલી અસર હોઠ પર દેખાતી હોય છે. હોઠની નજાકત અને હોઠની સુંદરતાને બરકરાર રાખવી હોય તો તમારે જાતે જ કેટલીક કેર લેવી પડશે. બદલાતી સિઝનની સૌથી પહેલી અસર હોઠ પર પડે છે એટલે એની જાળવણી વધુ મહત્ત્વપૂર્ણ બને છે.

શિયાળામાં હોઠ ફાટવાનાં ઘણાં કારણો છે. એ વિશે કોસ્મેટો-ડર્મેટોલોજિસ્ટ્સ કહે છે, શિયાળામાં ક્લાઇમેટની કૂલનેસની અસર પણ શરીર પર થતી હોય છે. એની સાથે જ ઠંડીને કારણે પાણી ઓછું પિવાય છે, જેને લીધે સ્કિનનું હાઇડ્રેશન નથી થતું. પરિણામે ડિહાઇડ્રેશનના કારણે પણ સ્કિન ફાટે છે. આ ઉપરાંત શરીરનાં મોટા ભાગનાં અંગોમાં કુદરતી રીતે ઓઇલ જનરેટ થતું હોય છે. પરંતુ હોઠની સ્કિન પર કુદરતી ઓઇલ જનરેટ નથી થતું અને તુલનામાં રીતે હોઠની સ્કિન વધુ સોફ્ટ અને ડેલિકેટ હોય છે, જેને કારણે હોઠ પર ક્લાઇમેટની અસર જલદી થાય છે. ઘણા લોકોને વારંવાર હોઠ પર જીભ ફેરવીને એને ભીના કરવાની આદત હોય છે. ભલે તમને એમ લાગે કે આ ટેવથી તમારા હોઠ હાઇડ્રેટ થઈ રહ્યા છે, પરંતુ હકીકતમાં આ ટેવથી હોઠની ડ્રાયનેસ વધે છે. સ્મોકિંગ કરતા અને આલ્કોહોલનું સેવન કરનારા લોકોના હોઠ જલદી ફાટે છે. હોઠથી શ્વાસ લેવાની આદત હોય એવા લોકોના હોઠ જલદી ફાટે છે.

કુદરતી ઇલાજ

સ્વાભાવિક છે કે હોઠનું ધ્યાન નહીં રાખો તો ફાટશે જ. અને જે મોટા પ્રમાણમાં હોઠની સમસ્યા માટે લોકો સતર્ક થયા છે એ જોઈને લિપ કેર પ્રોડક્ટ બનાવતી કંપનીઓએ દુનિયાભરનાં ઇનોવેશન લાવીને પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. વિવિધ નેચરલ ફ્રૂટ્સના ફ્લેવરમાં મળતી પેટ્રોલિયમ જેલીને લિપ કેર માટે વાપરવા કે નેચરલ વસ્તુઓથી હોઠની રક્ષા કરવી એ વિશે પ્રખ્યાત બ્યુટિશિયન્સ કહે છે કે, ‘ઠંડીમાં હોઠ ફાટે એ કંઈ આજની સમસ્યા નથી. સદીઓ પહેલાં પણ ઠંડી આટલી જ હતી અને તેમ છતાં હોઠ ન ફાટે એના દેશી નુસખાઓ વાપરીને એની સંભાળ રાખવામાં આવતી હતી. આપણે કેટલા પણ પ્રયત્ન કરીએ કેમિકલ એ કેમિકલ છે. અનિવાર્ય સંજોગોમાં વેસેલિન કે લિપબામ લગાવો તો વાંધો નથી, પરંતુ શિયાળામાં સતત આનો ઉપયોગ થાય અને એ કેમિકલ સબ્સ્ટન્સ જો પેટમાં જાય તો બીજી સેંકડો સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એટલે જ પ્રયત્ન એવો કરવો જોઈએ કે રોજની માત્ર પાંચ મિનિટ હોઠને આપવામાં આવે અને કુદરતી નુસખાઓ કરીને હોઠને પેમ્પર કરવામાં આવે તો આ સમસ્યાને ટેકલ કરવાનું અઘરું નહીં પડે. જેટલી લોન્ગ લાસ્ટિંગ અસર કુદરતી નુસખાઓની હશે એટલી આર્ટિફિશ્યલ પ્રોડક્ટની નહીં હોય. માત્ર બાહ્ય આવરણ લગાવીને નહીં, પરંતુ ભરપૂર પાણી પીને, ફળો અને શાકભાજીનો ખોરાક વધારીને અંદરથી હોઠને હાઇડ્રેટ કરવાના પ્રયત્ન કરીએ. એની સાથે કુદરતી નુસખા વાપરશો તો વધુ ફાયદો થશે.

ઘરેલુ ઉપાય

મલાઈ અને ગુલાબની પાંખડી: રાતના સમયે મલાઈમાં ગુલાબની પાંખડી મસળીને એની પેસ્ટ બનાવીને હોઠ પર લગાવો અને ૧૦ મિનિટ પછી હોઠ ધોઈ નાખો. હોઠ સુકાતાં બંધ થશે સાથે જ હોઠ પરની કાળાશ પણ ઓછી થશે.

શિયા બટર: કુદરતી સન બ્લોક તરીકે કામ કરતું શિયા બટર હીલિંગ એજન્ટ તરીકે કામ કરશે. કુદરતી લિપબામની ગરજ સારશે.

મધ: હોઠને મોઇસ્ચરાઇઝ કરવા માટે મધ શ્રેષ્ઠ ઉપાય છે. રાતના સમયે મધ લગાવવું બેસ્ટ છે. હોઠની સોફ્ટનેસ તો એનાથી પાછી આવે જ છે સાથે તડકાને કારણે ટેન થયેલી સ્કિનની કાળાશ દૂર કરે છે.

અલોવેરા: પોતાના એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ માટે અલોવેરા જાણીતું છે. સ્કિનને દરેક પ્રકારના ઇન્ફેક્શનથી એ દૂર રાખે છે. હોઠ પર લગાવવાથી એનું સુંવાળાપણું પાછું આવે છે.

ઘી: સદીઓથી ફાટેલા હોઠની સારવાર માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. થોડું હૂંફાળું ઘી હોઠ પર દિવસમાં બેથી ત્રણ વાર ઘસો. જો તમારા હોઠ વારંવાર ફાટી જતા હોય તો આ રેસિપી તમારા માટે જ છે. સુકાઈ ગયેલા હોઠ પર ઘી ખૂબ સારું કામ કરે છે. રાતે લગાવીને સૂઈ જવાથી હોઠ સોફ્ટ અને સુંવાળા બને છે.

ઓલિવ ઓઇલ અને લવિંગનું તેલ: સવારે સ્નાન કરતાં પહેલાં થોડું ઓલિવ ઓઇલ કે લવિંગનું તેલ રૂ વડે હોઠ પર લગાવો. થોડી મિનિટો પછી એને ધોઈ કાઢો અને હોઠને સુકાવા દો. આનાથી તમને આખો દિવસ લિપબામની જરૂર નહીં પડે. લવિંગના તેલમાં એન્ટિ-સેપ્ટિક તત્ત્વો હોવાથી એ હોઠ પરની ફાટી ગયેલી સ્કિનને પણ મટાડે છે.

રાઈનું તેલ: રાઈના તેલને જમાનાઓથી હોઠ માટે સારું માનવામાં આવ્યું છે, પણ બહુ જ ઓછા લોકો એનો વપરાશ કરે છે. રાત્રે સૂતાં પહેલાં રાઈના તેલનાં થોડાં ટીપાં ડૂંટી પર લગાવો અને હળવેથી મસાજ કરો. એની અસરરૂપે લોહી નીકળતું હોય એવા ફાટેલા હોઠ સોફ્ટ અને સુંવાળા થઈ જશે.

હોઠનું નેચરલ સ્ક્રબિંગ

મૃત ત્વચાને દૂર કરવાની એક્સફોલિએશનની પ્રોસેસ હોઠ પર પણ અજમાવી શકાય છે. નાનકડું બ્રશ ઘસવાથી પણ હોઠ પરની મૃત ત્વચા દૂર કરી શકાય છે, પરંતુ હોઠ માટે બેસ્ટ સ્ક્રબ જો કોઈ હોય તો એ છે સાકર. અડધી ચમચી સાકરમાં એક ડ્રોપ ઓલિવ ઓઇલ નાખીને મિક્સ કરો અને આ મિશ્રણને ધીરેથી હોઠ પર રગડો. ત્રણથી પાંચ મિનિટ સ્ક્રબ કરીને સાદા પાણીથી ધોઈ નાખો અને પછી શિયા બટર કે ઘી જેવું કોઈ નેચરલ લિપબામ લગાવો. એનાથી તમારા હોઠ ચોક્કસ સોફ્ટ અને ચમકદાર બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter