ઘરમાં લગાવેલા પડદા વારંવાર મેલા થઇ જતા હોય છે. વાસ્તવમાં, પડદા ગંદા થવા પાછળનું કારણ ધૂળના કણોની સાથે ઘરના બાળકો પણ હોય છે. બાળકો રમતી વખતે પડદા પર તેમના ગંદા હાથ લૂછી નાખે છે, તેથી ડાઘ-ધબ્બા દેખાય છે. ક્યારેક આ ડાઘા દૂર કરવા મુશ્કેલ બને છે. જોકે કેટલીક ટિપ્સનું ધ્યાન રખાય તો તેને સરળતાથી સાફ કરી શકાય છે.
ધ્યાનમાં રાખવાની વાતો
ઘરે પડદા ધોતાં પહેલાં પડદાનું ફેબ્રિક ચેક કરો. જો તમને પડદાનું ફેબ્રિક સારી રીતે ખબર હશે તો જ તેને કેવી રીતે ધોવા-સૂકવવા વિશે સારી રીતે જાણી શકશો. ધોતાં પહેલાં પડદામાંથી બધા હુક્સ ને ચેનલ્સને દૂર કરો. પડદાને પાણીમાં પલાળતાં પહેલાં તેને સારી રીતે ખંખેરો કે વેક્યૂમ ક્લીનર વડે તેના પર જામેલી ધૂળ દૂર કરો. ધોવા માટે પડદો કાઢો ત્યારે કાપડને હાથમાં લઇ ખેંચી જોવું. ઘણી વખત અતિશય સૂર્યતાપથી કાપડ સડી ગયું હોય તો તે ખેંચવાથી ફાટી જશે. તડકાથી ખરાબ થયેલા પડદાને ધોવાની તસ્દી ન લેવી. તેના બદલે નવા પડદા ખરીદી લેવા સારું રહેશે.
પડદા કેવી રીતે ધોશો?
સૌપ્રથમ સિંક કે બાથટબ ઠંડા અથવા નવશેકા પાણીથી ભરો. હવે પાણીના ટબમાં હળવા ડિટર્જન્ટ કે પડદા ધોવાનું લિક્વિડ ઉમેરી શકો છો. પડદા ધોવા હાર્ડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવાનું ટાળો. આ પછી, પડદાને ટબમાં પલાળીને 15-30 મિનિટ માટે રહેવા દો. પડદા સારી રીતે પલળી જાય એ પછી હાથથી પડદાને હળવા હાથે ઘસો. છેલ્લે સાબુના તમામ અવશેષોને દૂર કરવા માટે ઠંડા પાણીથી પડદાને સારી રીતે ધોઈ લો. પડદાને જોરથી નિચોવવાને બદલે તેને હળવા હાથે દબાવો. આ પછી, પડદાને સૂકવી દો. જોકે પડદાને એકદમ ચોખ્ખા કરવાના હેતુથી મશીનમાં ફેરવવા નહીં કારણ કે આવી રીતે વધુ સમય મશીનમાં ઘસાવાને કારણે તેનું કપડું ફાટી શકે છે. જો પડદા રેડીમેડ લીધા હોય તો તેના પર આપેલી સૂચના પ્રમાણે જ તેને ધોવા.
હવે સૌથી મહત્ત્વનો સવાલઃ પડદા પરના ડાઘા કઇ રીતે દૂર કરવા? જો પડદા પર ડાઘ છે, તો તેને સાફ કરવા માટે કેટલીક ખાસ ટ્રિક્સ છે. પડદા પરના હઠીલા ડાઘને સાફ કરવા માટે સફેદ વિનેગર, મીઠું અથવા બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ બધા કુદરતી સફાઈ એજન્ટો છે, જે તમારા પડદાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે. આમાંથી કોઇ એકને પડદા ધોવા માટેના પાણીમાં નાખો અને સારી રીતે મિક્સ કરો. તે પછી પડદાને તેમાં પલાળી રાખો અને તેને હાથથી ઘસો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો.