સમર... ત્રણ અક્ષરનું નામ ધરાવતી વર્ષની આ એક જ મોસમ એવી છે જે ભાગ્યે જ કોઈને ગમતી હશે. અંગદઝાડતી ગરમી કોને ગમે? સ્ત્રીઓને તો વળી વધુ ચિંતા. જો થોડુંક પણ ધ્યાનચૂક થયું કે ચહેરાની સુંદરતા તો જાણે દાવ પર જ લાગી જાય. જોકે આ સમસ્યાનો હાથવગો ઉપાય છે હોમમેડ ફેસ-માસ્ક.
જો તમારા ચહેરાની ત્વચાના પ્રકારને એક વાર સમજી લ્યો તો આવા ફેસ-માસ્ક ઘરે બનાવવા કોઈ મુશ્કેલ નથી. એક તો હોમમેડ હોવાથી એમાં વપરાતી મોટા ભાગની સામગ્રી આપણને ઘરના રસોડામાંથી જ મળી જાય છે અને બીજું, ક્યારેક તો એનું પરિણામ બહારથી ખરીદીને લાવેલા માસ્ક કરતાં અનેકગણું બહેતર પણ હોય છે. અને ખર્ચની દૃષ્ટિએ જૂઓ તો બ્યુટી પાર્લર્સમાં ફેસપેક્સ લગાડવાના આપણે જેટલા પૈસા ચૂકવીએ છીએ તેની સરખામણીએ આવા હોમમેડ ફેસ-માસ્ક અત્યંત કિફાયતી પણ લાગશે. તો સમરના આ દિવસોમાં ચહેરાની ચમક પાછી મેળવવા અહીં આપેલી હોમમેડ ફેસ-માસ્ક્સની રેસિપી અજમાવવાનું ચૂકતા નહીં.
સૂકી ત્વચા માટે
• કુકુમ્બર માસ્ક: ગરમીના દિવસોમાં કાકડી એક એવી સામગ્રી છે જે ખાઓ તો પણ ઠંડક આપે અને ચહેરા પર લગાડો તો પણ ઠંડક આપે. બસ, એક કાકડીને ખમણીને એમાં થોડું ગુલાબજળ મિક્સ કરી દો અને સીધું ચહેરા અને ગરદન પર લગાડી દો. ૧૫ મિનિટ બાદ સાદા પાણીથી ધોઈ લેવાથી ચહેરા પર ઠંડક અને ચમક બન્નેનો અહેસાસ થશે. તમે ઇચ્છો તો આ પેકમાં થોડું ગ્લિસરિન પણ ઉમેરી શકો છો. ગ્લિસરિન આસપાસના વાતાવરણમાં રહેલું પાણી ત્વચાની અંદર ખેંચી એને લોક કરી દે છે. પરિણામે ત્વચા ડ્રાય થતી નથી અને નરમ મુલાયમ જ રહે છે. આ આપણો પરંપરાગત નુસખો છે, જે કિંમતની દૃષ્ટિએ સાવ સોંઘો હોવા છતાં ખૂબ અસરકારક છે.
• બનાના-વિટામિન-ઈ માસ્ક: એક વધુ પડતું પાકેલું કેળું ચમચીથી સરસ રીતે મસળી નાખો. હવે કોઇ પણ બ્રાન્ડની વિટામિન-ઈની ટેબ્લેટ લો. આવી ૩-૪ ટેબ્લેટ વચ્ચેથી કાપીને એની અંદર રહેલું પ્રવાહી કેળા સાથે મિક્સ કરી દો. આ મિશ્રણને ૧૫-૨૦ મિનિટ ચહેરા પર લગાડી ધોઈ નાખો. કેળું ત્વચા માટે મોઇસ્ચરાઇઝરનું કામ કરે છે, જ્યારે વિટામિન-ઈ ત્વચાને રિપેર કરવાનું કામ કરે છે. જેમને ચહેરા પર બહુ રુવાંટી હોય તેઓ આ માસ્ક સાવ સુકાઈ જાય પછી પિલની જેમ ખેંચી કાઢે તો રુવાંટીમાં ઘટાડો પણ જોઈ શકાય છે.
• નીમ-પપૈયા માસ્ક: ૪૫ વર્ષથી બ્યુટિશ્યન અને મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતાં સરોજ વેદ પોતાના સિક્રેટ માસ્કની રેસિપી આપતાં કહે છે, ‘કડવા લીમડાનો પાઉડર, અશ્વગંધા, રક્તચંદન, મંજિષ્ઠા, અર્જુન અને પપૈયાનો પાઉડર મુલતાની માટીમાં મિક્સ કરીને ગુલાબજળ નાખી એની પેસ્ટ બનાવો. આ મિશ્રણમાં છેલ્લે બે ટીપાં એરંડિયાનું તેલ પણ નાખો. ચહેરા પર લગાડી સુકાઈ જાય એટલે ધોઈ નાખો. પપૈયા, અશ્વગંધા, અર્જુન સ્કિન લાઇટનિંગનું કામ કરે છે; પરંતુ જે વસ્તુ ત્વચાનો રંગ ઉઘાડે એ એને ડ્રાય પણ કરવાની જ. આવા સમયે એમાં એરંડિયાનું તેલ નાખી દેવાથી એ ત્વચા માટે મોઇસ્ચરાઇઝરની ગરજ સારે છે.’
તૈલી ત્વચા માટે
• મુલતાની માટી માસ્ક: ઉનાળા માટે આનાથી વધારે સારો અને સરળ માસ્ક બીજો કોઈ હોઈ જ ન શકે. દાદીમાના વૈદુંના જમાનાનો આ માસ્ક આજની તારીખે પણ એટલો જ હિટ અને ફિટ છે. માત્ર મુલતાની માટીમાં થોડું ગુલાબજળ નાખીને તેને ચહેરા પર લગાડી દેવી. સુકાઈ જાય એટલે બરફ ઘસીને ચહેરો સાફ કરી લેવો. મુલતાની માટી જ્યાં ચહેરાનાં રોમછિદ્રોને સાફ કરી એને ટાઇટ કરવાનું કામ કરે છે ત્યાં જ ગુલાબજળ ત્વચાને મોઇસ્ચરાઇઝ કરે છે. તો બીજી બાજુ બરફનો મસાજ ચહેરા પર લોહીનું પરિભ્રમણ વધારતાં તરત જ અનેરો નિખાર જોઈ શકાય છે. ઇન્સ્ટન્ટ ગ્લો માટે આનાથી સારો માસ્ક બીજો કોઈ નથી.
• નીમ-ઓરેન્જ માસ્ક: કડવો લીમડો, સંતરાં, શંખજીરું, ત્રિફળા, ગોપીચંદન, તુલસી, જેઠીમધ અને ગુલાબની પાંખડી - આ બધાનો પાઉડર સરખા ભાગે મુલતાની માટીમાં મિક્સ કરીને સાદું પાણી નાખી એની પેસ્ટ બનાવવી. ગુલાબની પાંખડીનો પાઉડર ન હોય તો પેસ્ટ બનાવવા માટે પાણીના સ્થાને ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકાય. માસ્ક સુકાઈ જાય એટલે ચહેરો સાદા પાણીથી ધોઈ નાખવો. કડવો લીમડો ત્વચામાં છુપાયેલા દરેક પ્રકારના બેક્ટેરિયા દૂર કરવાનું કામ કરે છે. આથી તૈલી ત્વચાને કારણે ખીલની સમસ્યાથી પીડાતા લોકો માટે આ માસ્ક બેસ્ટ છે. તો બીજી બાજુ, ગુલાબજળ અથવા ગુલાબની પાંખડીનો પાઉડર ચહેરાને ઠંડક આપે છે. સંતરાંમાં રહેલું વિટામિન-સી તથા ગોપીચંદન સ્કિન-લાઇટનિંગનું કામ કરતાં હોવાથી ત્વચા પર તરત જ ફેરનેસ જોઈ શકાય છે.
કોમ્બિનેશન સ્કિન માટે
• ઓટ્સ-આલ્મન્ડ માસ્ક: રાતના સૂતાં પહેલાં એક વાટકીમાં ૧૦ બદામ પલાળી દેવી. સવારે એની છાલ કાઢીને મિક્સરમાં વાટી લો. હવે એમાં એક ટેબલ-સ્પૂન ઓટ્સ, એક ટી-સ્પૂન મધ અને જરૂરિયાત મુજબનું દહીં નાખી માસ્ક તૈયાર કરવો. ચહેરા પર લગાડ્યા બાદ ૧૫-૨૦ મિનિટ બાદ ઘસી-ઘસીને ચહેરો ધોઈ નાખવો. આ માસ્કમાં રહેલા ઓટ્સ ત્વચા માટે સ્ક્રબરનું કામ કરે છે, જ્યારે બદામ મોઈસ્ચરાઇઝરનું કામ કરે છે. સાથે જ દહીં અને મધ ત્વચાને ઠંડક પહોંચાડે છે.
• ઓરેન્જ-પપૈયા માસ્ક: કોમ્બિનેશન સ્કિન માટે પોતાનો લોકપ્રિય માસ્ક કેવી રીતે બનાવવો એ સમજાવતાં સરોજ વેદ કહે છે, ‘સંતરાં, પપૈયા, મંજિષ્ઠા, અર્જુન અને અશ્વગંધા - આ બધાંનો પાઉડર મુલતાની માટીમાં મિક્સ કરીને ચહેરા પર લગાડી દેવાથી એ ત્વચા પરનું વધારાનું તેલ પણ દૂર કરે છે તો સાથે સાથે એને ડ્રાય પણ થવા દેતી નથી. વળી, એ ત્વચાને ઠંડક પહોંચાડી હેલ્ધી પણ બનાવે છે.’