હોમમેડ લિપ બામઃ શિયાળામાં સાચવશે સુંદરતા

Wednesday 08th January 2025 05:19 EST
 
 

કાતિલ ઠંડીનો સપાટો ચાલી રહ્યો છે. હવામાનમાં ફેરફાર અને વાતાવરણમાં ભેજની સૌથી પહેલી અસર ત્વચા પર જોવા મળતી હોય છે, અને તેમાં પણ હોઠ તો ઝડપભેર સૂકા અને ખરબચડા થવા લાગે છે. સુકા હોઠ ચહેરાની સુંદરતા પણ બગાડે છે અને ક્યારેક ત્વચા ખેંચાઇને નીકળી જવાથી પીડા પણ થાય છે. આમ, ઠંડીની સિઝનમાં હોઠને નરમ અને કોમળ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શિયાળાના દિવસોમાં હોઠની શુષ્કતા ઓછી કરવા અને તેને મુલાયમ બનાવવા માટે ઘણીવાર લોકો બજારમાં મળતા લિપ બામનો ઉપયોગ કરે છે પરંતુ તે મોટાભાગે કેમિકલયુક્ત હોય છે. આ સંજોગોમાં જો તમે ઈચ્છો તો હોમમેડ લિપ બામનો ઉપયોગ કરીને તમારા હોઠને ગુલાબી બનાવી શકાય છે.
ઘી - કોપરેલ લિપ બામ
ઘી અને કોપરેલથી બનેલું લિપ બામ પણ હોઠ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે. જો તમે ઘી અને કોપરેલમાંથી બનેલો લિપ બામ લગાવો છો, તો તે તમારા હોઠને કુદરતી જ ગુલાબી બનાવી દેશે. આ માટે 3-4 ચમચી ઘી લો. તેને થોડું ગરમ ​​કરો અને પછી તેમાં એટલું જ કોપરેલ ઉમેરો. આ મિશ્રણને ઠંડું થવા દો અને તેને એર ટાઈટ કન્ટેનરમાં મૂકો. તેને ફ્રિજમાં રાખો અને હોઠ પર લગાવો. તેનાથી સૂકા હોઠની સમસ્યામાંથી પણ રાહત મળશે.
રોઝ પેટલ્સ - હની લિપ બામ
ગુલાબની પાંખડીઓ અને મધથી બનાવેલો હોમ મેઇડ લિપ બામ પણ સૂકા હોઠની સમસ્યાથી રાહત આપી શકે છે. આ લિપ બામ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ માટે સૌથી પહેલાં ગુલાબની પાંદડીઓને બરાબર સાફ કરીને ગ્રાઇન્ડરમાં બારીક પીસી લો. હવે પાંદડીઓની પેસ્ટના પ્રમાણમાં મધ, વેસેલિન અને કોપરેલ ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. એકદમ ક્રીમ જેવું ટેક્સ્ચર થઇ જશે. હવે આ મિશ્રણને એર ટાઇટ કન્ટેનરમાં મૂકો અને પછી તેને સવાર-સાંજ તમારા હોઠ પર લગાવો. આ લિપ બામ રોજ લગાવવાથી તમને કુદરતી રીતે ગુલાબી હોઠ મળશે.
શિયા બટર - કોકો બટર લિપ બામ
હોઠને ગુલાબી બનાવવા માટે તમે ઘરે જ શિયા બટર અને કોકો બટરથી લિપ બામ બનાવી શકો છો. આ માટે તમે શિયા બટર, કોકો બટર, કોપરેલ અને પ્રમાણસર ગુલાબજળ લો. વાસણમાં બધી સામગ્રી નાખો અને ધીમી આંચ પર ગરમ કરીને ઓગળી લો. જોકે તેને લાંબા સમય સુધી ઓગળવાનું ગરમ કરવાનું ટાળો. આ પછી મિશ્રણને ઠંડું થવા દો. હવે તેમાં પ્રમાણસર મધ ઉમેરો. આ તૈયાર લિપ બામને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને રેફ્રિજરેટરમાં રાખો. તમે ઘરે બનાવેલ આ લિપ બામને હોઠ પર સવાર-સાંજ લગાવી શકો છો. તેનાથી હોઠ ગુલાબી બનશે અને સૂકા હોઠની સમસ્યાથી મુક્તિ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter