ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં શિક્ષિકા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ‘મિસિસ વ્હાઇટ’ નામથી પ્રચલિત આ શિક્ષિકા માટે વિદ્યાર્થીઓ ‘ટીચર ઓફ ધ યર’ એવોર્ડની માગ કરી રહ્યા છે. હકીકતમાં ટેક્સાસની એક હાઇસ્કુલમાં અંગ્રેજીમાં વિષય ભણાવતાં કર્ટની વ્હાઇટ ઉર્ફે મિસિસ વ્હાઇટે પોતાની સંપૂર્ણ કારકિર્દીમાં ક્યારેય વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું નથી. તેણે જ્યારે પોતાની આ ફિલોસોફી અંગે સોશિયલ મીડિયા પર લખ્યું તો તેનો વીડિયો ૫૦ લાખની વધુ વખત જોવાયો છે.
૨૭ વર્ષની કર્ટની કહે છે કે શિક્ષણ તંત્રમાં નો હોમવર્કની નીતિ વર્ષોથી છે. પરંતુ તેના અંગે સ્કુલો અને શિક્ષકો ગંભીર નથી. તેણે માત્ર તેના પર અમલ શરૂ કર્યો છે. તેણે કહ્યું કે, એ વાતનો કોઇ પુરાવો નથી કે હોમવર્ક આપવાથી વિદ્યાર્થીઓ હોંશિયાર બને છે. વિદ્યાર્થી જો ક્લાસમાં સંપૂર્ણ એકાગ્રતા સાથે અભ્યાસ કરે છે તો ઘરે જઇને એ જ વાતને રિપિટ કરવાની જરૂર નથી.
મિસિસ વ્હાઇટના મોટા ભાગના હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ રમતગમત સાથે જોડાયેલા છે. કેટલાક વિદ્યાર્થીઓ પાર્ટ ટાઇમ કામ પણ કરે છે. તેઓ કહે છે કે આથી હું તેમણે હોમવર્ક આપીને તેમનો સમય વેડફવા માગતી નથી.
કર્ટનીએ જણાવ્યું કે, જ્યારે બાળકોને આખો દિવસ માત્ર શૈક્ષણિક બાબતોમાં પસાર થાય છે તો તેમનો સંપૂર્ણ વિકાસ થઇ શકતો નથી. જો તેમણે આપેલું હોમવર્ક ઇમાનદારીથી ના કર્યું તો તેનો કોઇ ફાયદો નથી. ક્લાસની બહારના તેમના સમયનું પણ સન્માન કરવું જોઇએ. જોકે, કેટલાક લોકોએ તેમનો વિરોધ પણ કર્યો છે. લોકોએ કહ્યું કે, તે ખોટી પરંપરા બનાવી રહી છે. તેનાથી બાળકોના ભવિષ્ય પર ખરાબ અસર થઇ શકે છે.