વોશિંગ્ટન: હોલેન્ડમાં ટ્યુલિપને ભારતીય અમેરિકન રાજદૂત શેફાલી રાઝદાન દુગ્ગલનું નામ અપાયું છે. અમેરિકન રાજદૂત તરીકે તેમણે મહિલા સમાનતા માટે આપેલા પ્રદાનને ધ્યાનમાં લઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિને આ નામ અપાયું છે. સેન્ટ માર્ટિનમાં મેવરિજ ઈન્ટરનેશનલ્સ બ્રીડિંગ પ્રોગ્રામ અંતર્ગત ટ્યુલિપની આ જાત વિકસાવાઇ છે. 52 વર્ષીય રાઝદાન દુગ્ગલે જણાવ્યું હતું કે ટ્યુલિપ સુંદર ફૂલ છે, જેને સદીઓથી લોકો પ્રેમ કરતા આવ્યા છે. હોલેન્ડે મને તેના વડે સન્માનિત કરી ગૌરવાન્તિત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ રીતે ટ્યુલિપનું નામ પ્રથમ વખત મેળવનાર તરીકે મને અત્યંત સન્માનની લાગણી થાય છે. હવેથી અહીંનું ફ્લાવર શેફાલી ટ્યુલિપ તરીકે ઓળખાશે. ઇતિહાસમાં વિવિધ કાળખંડ દરમિયાને મહિલાઓને જાતિગત ધોરણે પૂર્વગ્રહ અને ભેદભાવનો સામનો કરવો પડયો છે અને અમે દરેક સીમાચિહ્નને હાંસલ કરવા માટે આકરી મહેનત કરી છે. આ અમે અમારા માટે અને મહિલાઓની ભાવિ પેઢી માટે કર્યું છે. ટ્યુલિપને ઉછરવું તે લાંબા સમયગાળો માંગી લે છે. આ શેફાલી ટ્યુલિપના મૂળ છેક 2009માં છે. દુગ્ગલ મહિલા અધિકારોની હિમાયતકાર છે અને તે ઇન્ટરનેશનલ જેન્ડર ચેમ્પિયન છે.