હોળી-ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી છે. રંગોનો તહેવાર એટલે ધુળેટી! ભારતીયો દુનિયામાં ભલે કોઇ પણ ખૂણામાં જઇ વસ્યાં હોય, પણ ધુળેટીના પર્વે રંગથી રમવાનો મોકો ચૂકતા નથી. આ પર્વ તો અનેરા આનંદ-ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે, પણ બાદમાં વાળમાંથી રંગ દૂર કરતી વખતે જ્યારે વાળ તૂટે છે કે તેનાથી વાળમાં ઉકેલી ના શકાય તેવી ગૂંચ પડી જાય છે ત્યારે અફસોસનો પાર રહેતો નથી. ઉજવણીની મજા પરેશાનીની સજા બની જાય છે. ધુળેટીના રંગો તમારા વાળને નુકસાન કરી શકે છે. વાળમાં કલર લાગવાથી બરછટ થઈ જાય છે. વાળમાં આ કલર લાંબો સમય રહેતા હોવાથી પૂરતી હેર કેર કરવી ખૂબ જ જરૂરી છે. ધુળેટી રમતાં પહેલા અને રંગે રમ્યા પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો વાળને નુકસાન થતા બચાવી શકશો. અહીં કેટલીક રીત જણાવી છે જે તમારા વાળની સંભાળ માટે અસરકારક સાબિત થઈ શકે છે. જેમ કે,
• વાળમાં તેલ લગાવો: હોળી રમવા જાઓ તે પહેલાં વાળમાંથી ગૂંચ કાઢો. ત્યારબાદ હેર ઓઇલ લગાવો. આ માટે તમે કોઈ પણ આયુર્વેદિક તેલ અથવા ઘરે બનાવેલા નેચરલ ઓઇલનો ઉપયોગ કરી શકો છો.
• વાળને કવર કરો: કલરથી હોળી રમતી પહેલાં વાળને સરસ રીતે બાંધી લો અને શક્ય હોય તો વાળને નેપકીન બાંધીને કવર કરી લો.
• હળવા હાથે કોમ્બિંગ: હોળી રમ્યા પછી વાળમાં કલર કાઢવા માટે કાંસકો અથવા હેર બ્રશની મદદથી વાળમાં એકદમ હળવા હાથે કાંસકો ફેરવો.
• હેર માસ્કનો ઉપયોગ: હેર વોશ કરતાં પહેલાં વાળ પર સારા હેર માસ્કનો ઉપયોગ કરો. આ માટે તમે દહીં, આમળાનો રસ, અરીઠા પાવડર અને શિકાકાઈ જેવી નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. હેર માસ્ક લગાવો અને વાળ પર લગભગ 20થી 30 મિનિટ સુધી લગાવી રાખો. તે વાળને કન્ડિશનિંગ આપે છે અને વાળમાં લાગેલા કલરને સરળતાથી દૂર કરી શકે છે.
• માઇલ્ડ શેમ્પૂ કરો: હેર માસ્ક કર્યા પછી વાળને માઇલ્ડ શેમ્પુથી ધોઈ લો. તમે જે શેમ્પૂનો ઉપયોગ કરો છો તેમાં કેમિકલનું પ્રમાણ વધુ હોય તો તે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આથી કલરથી રમ્યા પછી વાળ ધોતી વખતે સ્ટાન્ડર્ડ માઇલ્ડ શેમ્પુનો ઉપયોગ કરશો તો વાળને નુકસાન થતું અટકાવી શકશો.
• ગરમ ટુવાલથી બાંધો: હેર વોશ કર્યા પછી ગરમ પાણીમાં પલાળેલા ટુવાલથી 10-20 મિનિટ સુધી વાળને બાંધીને રાખો. જેથી તમારા વાળને સ્ટીમ મળશે અને હેરને નેચરલ સાઈન મળશે.
ધુળેટી પર્વે તમે રંગે રમતાં પહેલાં અને રંગે રમ્યા પછી આટલી કાળજી લેશો તો વાળને નુકસાન થતું ટાળી શકશો.