૧૦ હજાર રન કરનારી ભારતની પહેલી મહિલા ક્રિકેટર

Friday 19th March 2021 04:43 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે ૧૨ માર્ચે સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી વનડે મેચમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂરા કરી લીધા છે. આવી સિદ્ધિ હાંસલ કરનાર તે ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ક્રિકેટર છે. મિતાલીએ ગયા શુક્રવારે મેચ દરમિયાન ૩૫ રન કરતાની સાથે જ પોતાના ક્રિકેટ કેરિયરમાં તેણે ૧૦,૦૦૦ રનનો જાદુઈ આંકડો પાર કરી લીધો હતો. મિતાલીએ પોતાની કારકિર્દીમાં ૪૬.૭૩ની સરેરાશથી ૧૦,૦૦૧ રન બનાવ્યા છે.
મિતાલી પહેલાં દુનિયામાં માત્ર એક જ મહિલા ક્રિકેટર છે જેણે ૧૦,૦૦૦ રન કરવાની સિદ્ધિ નોંધાવી છે. ઇંગ્લેન્ડની પૂર્વ સુકાની ચાર્લેટ એડવર્ડ્સના નામે આ રેકોર્ડ છે. તે દુનિયાની પહેલી મહિલા ક્રિકેટર હતી જેણે આ સિદ્ધિ મેળવી હતી. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦,૨૭૩ રન બનાવ્યા છે. મિતાલીએ ૧૦,૦૦૧ રન બનાવ્યા છે. તે હવે ચાર્લેટથી ૨૭૨ રન પાછળ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં ચાર્લેટે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
વન ડેમાં મિતાલીના સૌથી વધુ રન
મહિલા વન-ડે ક્રિકેટમાં દુનિયામાં સૌથી વધુ રન બનાવવા મુદ્દે મિતાલી રાજ મોખરે છે. તેણે ૨૧૨ વન-ડેમાં ૫૦.૫૩ની સરેરાશ સાથેે ૬૯૭૪ રન બનાવેલા છે. બીજી તરફ તેણે ૮૯ ટી-૨૦ મેચમાં ૨૩૬૪ રન બનાવ્યા છે. તે માત્ર ૧૦ ટેસ્ટ રમી છે તેણે ૬૬૩ રન બનાવ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેણે ૭૫ અડધી સધી અને ૮ સદી ફટકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter