ન્યૂ યોર્કઃ સામાન્ય રીતે લોકો જીવનની સાઠીએ નિવૃત્ત થઈને આરામની જિંદગી પસંદ કરે છે, પણ ન્યૂ યોર્કમાં રહેતાં ફેલેમિના રોટુન્ડો ૧૦૦ વર્ષની વય હોવા છતાં દિવસમાં ૧૧ કલાક કામ કરે છે. આ મહિલા સવારે સાત વાગ્યે કાર્યસ્થળે પોતાનું કામ શરૂ કરી દે છે અને સાંજે ૬ વાગ્યા સુધી તે પોતાનાં કામમાં વ્યસ્ત રહે છે.
ફેલેમિના ૧૫ વર્ષનાં હતાં ત્યારથી કામ શરૂ કર્યું હતું. ફેલેમિના કહે છે કે, જ્યારે હું માત્ર ૧૫ વર્ષની હતી ત્યારથી મેં લોન્ડ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને આજે પણ એ જ કામ કરી રહી છું. આ મહિલા ન્યૂ યોર્કના બફેલોમાં આવેલી કોલેજ લોન્ડ્રી શોપમાં કામ કરે છે. નવાઈની વાત એ છે કે કે જાતે જ બધું કામ કરી શકે છે.
સપ્તાહમાં એક દિવસ જ આરામ કરે છે
ફેલેમિના જણાવે છે કે હું સપ્તાહમાં માત્ર એક દિવસ રજા લઉં છું. એટલે કે બાકી છ દિવસ હું સતત કામ કરતી રહું છું અને આ નિયમ વર્ષોથી પાળું છું. સવારે વહેલી ઊઠી જાઉં છું અને સવારે સાત વાગ્યે મારું દૈનિક કામ શરૂ કરી દઉં છું. જે સાંજે છ વાગ્યા સુધી ચાલે છે.
હાથ પગ ચાલે ત્યાં સુધી કામ
આ વૃદ્ધામાં કાર્ય પ્રત્યે એટલો જુસ્સો છે કે તે નિવૃત્ત થવાનું વિચારવા જ નથી માગતાં. તેઓ જણાવે છે કે જ્યાં સુધી મારા હાથ પગ ચાલશે અને મારું સ્વાસ્થ્ય સારું રહેશે ત્યાં સુધી હું કામ કરતી રહીશ, તેઓ અન્ય વૃદ્ધોને સલાહ આપતા કહે છે કે ઘરમાંથી બહાર નીકળો અને કામ કરો, કંઈક અલગ કરી બતાવો.