૧૦૧ વર્ષનાં રનર મન કૌર અને ૯૮ વર્ષની યોગા ટીચર વી. નાનમ્મલે પૂરી ચુસ્તી-સ્ફૂર્તિ સાથે ઇન્ડિયા ફેશન વીકમાં રેમ્પ વોક કરીને સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે ફેશન ડિઝાઇનર નિદા મહમૂદ માટે મોડેલ-એક્ટર–એથ્લીટ મિલિંદ સોમણ સાથે રેમ્પ વોક કર્યું ત્યારે લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં હતાં. મન કૌરે આ વર્ષે ઓકલેન્ડમાં આયોજીત વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સની ૧૦૦ મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે નાનમ્મલ અમ્મા પાસેથી ટ્રેનિંગ લઈ ચૂકેલા ૬૦૦થી વધારે લોકો દુનિયાભરમાં યોગ શીખવાડી રહ્યા છે. તેમને આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાષ્ટ્રપતિએ ‘નારીશક્તિ એવોર્ડ’થી સન્માન્યા છે.
જ્યારે અનેક ફિલ્મો અને એડવર્ટાઇઝમાં કામ કરી ચૂકેલો મિલિંદ સોમણ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ચૂક્યો છે. તેણે સાઉથ એશિયન ગેમ્સ (૧૯૮૪)માં સ્વિમિંગમાં સિલ્વર જીત્યો હતો. તેણે ૨૦૧૫માં ખૂબ જ પડકારજનક ગણાતી આયર્નમેન ચેલેન્જ પ્રથમ પ્રયત્નમાં જ પૂરી કરી લીધી હતી. આ ફેશન શોમાં પાંચ દિવસમાં બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાની અનોખી સિદ્ધિ મેળવનાર અંશુ જમનસેન્પાએ ભાગ લીધો હતો.