સ્ટોકહોમઃ ડેગની કાર્લસનની વય ૧૦૬ વર્ષ છે, પણ સ્વિડનમાં તેઓ કોઈ સેલિબ્રિટીથી કમ નથી. શાહી પરિવાર પણ તેમણે આમંત્રે છે. ટીવી શોમાં અવારનવાર તેઓ ચમકતા રહે છે. ડેગની સમાજના તમામ વર્ગોમાં માનપાન ધરાવે છે તેનું કારણ શું? આયુષ્યની સદી વટાવી ગયા પછી પણ જોવા મળતી તેમની સક્રિયતા.
આ ઉંમરે પણ ઇન્ટરનેટ પણ તેઓ એક્ટિવ છે. તેઓ દરરોજ બ્લોગ લખે છે. છ વર્ષમાં તેમના બ્લોગ પર આશરે ચાર લાખ લોકો વિઝિટ કરી ચૂક્યા છે. તેમની ગણતરી સ્વિડનના સૌથી ખુશમિજાજ વ્યક્તિઓમાં થાય છે. તેઓ દેશ-દુનિયાના દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. ગત વર્ષે નવેમ્બરમાં દુનિયાભરમાં ચર્ચાસ્પદ બનેલા મી-ટૂ કેમ્પેન પર તેમણે લખ્યું હતું કે આ પુરુષો માટે ખૂબ જ અપમાનજનક છે. તેમના બ્લોગ અને તેના ઇન્ટરવ્યૂથી જાણીએ તેમની કહાણી...
હું ડેગની કાર્લસન. મારી ઉંમર આજે ૧૦૬ વર્ષ થઈ ચૂકી છે. લોકો મને દુનિયાની સૌથી વયોવૃદ્ધ બ્લોગર કહે છે. મારા માટે આ ગર્વની વાત છે. હું આજમાં જીવું છું. આવતીકાલ વિશે જરાય વિચારતી નથી. કાલે શું થશે, શું હું મરી જઈશ? આમ પણ એકને એક દિવસ તો મરવાનું જ છે. પણ મારા માટે હજુ સુધી જીવન સમાપ્ત થયું નથી. મારું માનવું છે કે મારી બે ટેવોએ મને આટલા લાંબા સમય સુધી જીવીત રાખી છે. આ બે ટેવ છે - સારી જાણકારી અને મારી નવી નવી વસ્તુઓ શીખવાની ટેવ. મતલબ કે જિજ્ઞાસા.
મારી દરેક સવારની શરૂઆત ચા અને કોફીથી થાય છે. હું ઘરની બહારની દુનિયાને દરરોજ સારી રીતે જાણવા અને સમજવા માગું છું. એટલા માટે હું દરરોજ થોડો સમય ઇન્ટરનેટ પર પસાર કરું છું. કમ્પ્યુટર તો મારો સૌથી સારો મિત્ર છે, જે મને બહારની દુનિયા સાથે કદમતાલ મિલાવવામાં મદદ કરે છે અને મેં તો મારા જીવનના ૧૦૦ વર્ષ તેના વિના જ પસાર કરી દીધા. હું ૯૯ વર્ષની હતી ત્યારે મારા એક સંબંધીએ મને કમ્પ્યુટર ભેટમાં આપ્યું હતું! આ પછી તો હું મારો મોટા ભાગનો સમય આ વિચિત્ર ડબ્બાને સમજવામાં, શીખવામાં પસાર કરવા લાગી. અત્યારે મોટા ભાગનો સમય તેની સાથે જ પસાર થાય છે. હવે મારી તેનાથી સારી મિત્રતા થઈ ગઈ છે. આટલી ઉંમર થઈ ગયા પછી તેનો ઉપયોગ કરવો થોડું વિચિત્ર લાગે છે પણ મને તો ટેવ પડી ગઈ છે.
હું જ્યારે ઇચ્છું ત્યારે તેની મદદથી મારા મિત્રો સાથે વાત કરી શકું છું. સમચાર વાંચી શકું છું. તેમાં તો કોઈ પૈસા પણ નથી લાગતા, પણ ફક્ત વાંચવાનું થોડું કંટાળાજનક છે. આથી મેં લખવાનું શરૂ કર્યું. બ્લોગા મેડ મિગ એટલે કે ‘મારી સાથે બ્લોગ કરો’ બ્લોગ શરૂ કર્યો. બ્લોગ પર તો એ પણ ફરજીયાત નથી કે મારે કોઈ એક મુદ્દા પર જ લખવાનું છે.
હવે તો મારા ઘણા પ્રસંશક છે, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે જો હું ૧૦૬ વર્ષની ન હોત તો કોઈને પણ તે વાંચવામાં રસ ના પડ્યો હોત. જો હું એક દિવસ બ્લોગ ના લખું તો તેમને લાગે છે કે હું મૃત્યુ પામી...
મારું ઇનામ બર્થ-ડે પર ખર્ચીશ
સ્વિડિશ યુનિવર્સિટીએ ગયા મહિને ડેગની કાર્લસનને સન્માનતિ કર્યા. ૨૦૦૦ યુરો ભેટમાં આપ્યા તો તેમણે મજાક કરતાં કહ્યું કે હું આ રકમ બર્થ-ડે સેલિબ્રેશન પાછળ ખર્ચ કરીશ.