મેડ્રિડઃ સ્પેનમાં કોરોના વાઈરસને લીધે આશરે ૨૭ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે તાજેતરના એક અહેવાલે આ સંકટ સમયમાં પણ હકારાત્મક્તા ઊભી કરી છે. સ્પેનમાં ઓટોટ શહેરનાં ૧૧૩ વર્ષીય મારિયા બ્રેનયાસે કોરોના સામે જંગ જીતી છે. તેઓ કોરોના વાઇરસ પોઝિટિવ હતાં, પણ સારવાર પછી તેઓ સાજાં થયાં છે. શક્યતઃ તેઓ દુનિયાનાં સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે કે જેઓએ કોરોનાને હરાવ્યો છે. મારિયાના પરિવારજનો કહે છે કે તેઓ ખૂબ ખુશ છે.
સેલ્ફ આઈસોલેશન
એપ્રિલ મહિનામાં કોરોનાના અમુક લક્ષણો મારિયામાં દેખાયા હતા. ત્યારબાદ તેમને સાન્તા મારિયા ડેલ તુરા કેર હોમમાં આઈસોલેટ કર્યા હતાં. મે મહિનાના પહેલાં અઠવાડિયાંમાં ડોક્ટરે તેમણો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું. નર્સિંગ હોમ સ્ટાફે જણાવ્યું કે, હાલ મારિયા એકદમ સ્વસ્થ છે. તેઓ બીજાની સાથે વાત પણ કરી શકે છે. મારિયા સ્પેનમાં ૧૦૫ વર્ષથી વધારે ઉંમર ધરાવતા બીજા નંબરના મહિલા છે જેમણે કોરોનાને હરાવ્યો છે. મારિયા પહેલાં ૧૦૭ વર્ષીય એના ડેલે કોરોનાને હરાવ્યો હતો.
છેલ્લા ૨૦ વર્ષથી નર્સિંગ હોમમાં
મારિયા વર્ષ ૨૦૧૯થી સ્પેનના ઉંમરલાયક મહિલા છે. તેમનો જન્મ વર્ષ ૧૯૦૭માં સેન-ફ્રાન્સિસ્કોમાં એક સ્પેનિશ પરિવારમાં થયો હતો. તેમનાં જન્મને થોડા સમય પછી તેમનો પરિવાર સ્પેન આવી ગયો હતો. તેમણે વર્ષ ૧૯૩૧માં ડોક્ટર સાથે લગ્ન કર્યાં હતાં. મારિયાને ૩ સંતાનો છે.
આ સંતાનોમાં ૧૧ પૌત્રો - પૌત્રીઓ અને ૧૩ પ્રપૌત્રો-પ્રપૌત્રીઓનો સમાવેશ થાય છે. તેઓ સ્પેનિશ ફ્લૂ અને ૧૯૩૬થી ૧૯૩૯ સુધી ચાલનારા સિવિલ વોરને પણ નજરે જોઈ ચૂક્યા છે. છેલ્લાં ૨૦ વર્ષથી મારિયા જીરોના શહેરના એક નર્સિંગ હોમમાં જ રહે છે.