લખનૌઃ વારાણસીની પુત્રી સોની ચોરસિયાએ સતત ૧૨૬ કલાક પાંચ મિનિટ સુધી કથક નૃત્ય કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નૃત્ય શરૂ કરીને સોનીએ કેરળની હેમલતા કમંડલુનો ૧૨૩ કલાક ૧૫ મિનિટનો રેકોર્ડ ૯મી એપ્રિલે રાત્રે આશરે સવા ૧૨ વાગે તોડી નાંખ્યો હતો. આ તેની બીજી કોશિશ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને શુભેચ્છા પાઠવી છે. અગાઉ પણ મોદીએ પત્ર પાઠવીને સોનીનો જુસ્સો વધાર્યો હતો.
સોનીએ ગયા વર્ષે ૧૪થી ૧૭ નવેમ્બર સુધી ૮૭ કલાક ૧૮ મિનિટ કથક નૃત્ય કર્યું હતું, પરંતુ થાકને કારણે તે પડી ગઈ હતી અને વર્લ્ડ રેકોર્ડનું સ્વપ્ન પૂરું થયું નહતું. હવે તેના નવા રેકોર્ડની ઔપચારિકતાઓ પૂરી કરીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન આપવામાં આવશે.