લંડનઃ દુનિયા કોરોના મહામારી અને તેને નિયંત્રણ કરવા માટે કરાતા લોકડાઉનથી પરેશાન છે, પણ આયર્લેન્ડના ડબ્લિનની કાર્લા ફિજરગાર્ડે (૩૪) લોકડાઉન દરમિયાન મોટી સિદ્વિ મેળવી છે. ૧૪ મહિના અગાઉ તેનું વજન ૧૪૬ કિલો હતું જે તેણે ઘટાડીને હવે ૬૦ કિલો કરી નાખ્યું છે, એ પણ જિમમાં ગયા વિના માત્ર ખાનપાનની ટેવો નિયંત્રણ કરીને.
કાર્લા જણાવે છે કે સ્થૂળકાય હોવાને કારણે તેને ઘણી વાર તકલીફો સામનો કરવો પડતો હતો. તે ક્યાંય પણ જતી તો બેસવા માટે તેની સાઇઝની સીટ નહોતી મળતી. ફલાઇટમાં બેસવામાં પણ તકલીફ પડતી. કપડાં પણ બ્લેક લેગિન્સ અને બેગી જમ્પર્સ સુધી મર્યાદિત હતા. તેને બીજા કપડાં ગમતાં તો હતા, પણ તે પહેરી નહોતી શકતી. તેણે અગાઉ પણ વજન ઘટાડવા ઘણાં પ્રયાસ કર્યા હતા પણ સફળ રહી નહોતી, કેમ કે તેને થોડી થોડી વારે કંઇને કંઇ ખાવાની ટેવ હતી. તે રોજ ત્રણથી પાંચ હજાર કેલરી ફૂડ લેતી હતી. લોકડાઉન દરમિયાન તેણે આ ટેવ પર ફોકસ કર્યું.
કાર્લાએ ઉમેર્યું કે લોકડાઉનથી તેને વજન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં ઘણી મદદ મળી કેમ કે રોજિંદી દોડધામમાં તે વજન ઘટાડવાનું વિચારતી તો હતી પણ તે દિશામાં કંઇ નકકર કરી નહોતી શકતી. હવે તે ગર્વ, ખુશી અને આશાથી ભરેલી એક અલગ જ વ્યક્તિ હોવાનું અનુભવે છે.