થોડા દિવસ પહેલાં ઇજિપ્શિયન ડિઝાઇનર હેની એલ બેહિરીએ પેરિસના ઓરિયેન્ટલ ફેશન શો માટે પ્લેનના રનવે પર બ્રાઇડલ ગાઉન રજૂ કર્યો હતો. એ ગાઉનને હાથીદાંતનાં તારની બનેલી નેટ, સિલ્ક ઑર્ગન્ઝા, સેંકડો હીરા જડેલી એમ્બ્રોઇડરીથી સજાવવામાં આવ્યો હતો. ઇજિપ્શિયન ડિઝાઇનરે આ ડ્રેસ સૌથી મોંઘા ડ્રેસિસમાં ત્રીજા ક્રમે હોવાનો દાવો કર્યો છે. ઇજિપ્તના અમીર પરિવારની દીકરીએ ઑર્ડર કરેલો આ ગાઉન બનાવતાં ૮૦૦ કલાક લાગ્યા હતા. એ ડ્રેસની કિંમત ૧૫ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૧૦૭ અબજ રૂપિયા છે. પેરિસના કેરોસલ ડુ લુવ્રેમાં યોજાયેલા ઓરિએન્ટલ ફૅશન શોની ૩૪મી એડિશન માટે આ ડ્રેસ બનાવવામાં આવ્યો હતો.
વિશ્વમાં સૌથી મોંઘો ડ્રેસ ૨૦૦૯માં બનાવવામાં આવ્યો હતો, જે ૩૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૨૧૪ અબજ રૂપિયાનો હતો. એ ડ્રેસ ‘નાઇટિંગેલ’ તરીકે ઓળખાય છે. એના પછી બીજા ક્રમે ૨૦૧૩માં બ્રિટિશ ડિઝાઇનર ડેબી વિંગેમે બનાવેલો ડ્રેસ ૧૭.૭ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૧૨૬.૨૦ અબજ રૂપિયાનો નોંધાયો હતો.