સોફ્ટવેર ડેવલપર જ્યુડિથ ફોકનરે ૧૯૭૯માં માત્ર ૬૦૦૦ ડોલર્સના રોકાણથી ઈપિક સિસ્ટમ્સ કંપનીની સ્થાપના કરી હતી. અમેરિકાના મેડિસનમાં એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ત્રણ પાર્ટટાઇમ કર્મચારીઓ સાથે તેમણે કામ કર્યું હતું, અને આજે આ કંપની કરોડો ડોલરની બની ગઇ છે. જૂડીના નામથી જાણીતાં ૭૩ વર્ષનાં જ્યુડિથ ફોકનરની કંપની ઈપિક સિસ્ટમ્સ આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ હેલ્થ આઈટી કંપની ગણાય છે, જેમાં ૮૦૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે. ફોર્બ્સ દ્વારા ગયા વર્ષે જાહેર થયેલી યાદી પ્રમાણે જૂડી ૨.૨ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે.
ઈપિક સિસ્ટમ્સ ઈલેક્ટ્રોનિક હેલ્થ કેર રેકોર્ડ રાખવાની ટેક્નોલોજી પૂરી પાડે છે. વ્યવસાયે કમ્પ્યૂટર સોફ્ટવેર એન્જિનિયર જૂડીની કંપનીના સોફ્ટવેરમાં અમેરિકાની અડધોઅડધ વસતીનો મેડિકલ ઈન્ફર્મેશન સંગ્રહાયેલો છે એમ કહી શકાય. કંપનીનો દાવો છે કે દરરોજ ઈપિકના ૧૦ લાખથી વધુ રેકોર્ડ્સનો ઉપયોગ ડોક્ટર્સ કરે છે. માયો ક્લિનિક અને જ્હોન્સ હોપકિન્સ જેવા મોટા નામ તેમના ક્લાયન્ટ્સ છે. જો તમે ઈપિક કંપનીના સ્થાપક જૂડી અંગે બહુ જાણતા ન હો તો તેમાં તમારો વાંક નથી, આનું એક કારણ તેઓ પોતે પણ છે, કારણ કે તેઓ મીડિયાથી દૂર રહે છે અને બહુ ઓછા ઈન્ટરવ્યુ આપે છે. પ્રચાર તેમને પસંદ નથી.
જૂડી કહે છે હું એક સોફ્ટવેર પ્રોગ્રામર હતી. કામ શરૂ કર્યું ત્યારે મને વિશ્વાસ નહોતો કે હું કોઈ મોટી કંપની બનાવવા જઈ રહી છું. મને બસ એમ લાગતું હતું કે મારા આ કામથી લોકોને જીવન બચાવવામાં મદદ મળી શકે છે. ઈપિકને મજબૂત બનાવવામાં તેમની ભાવના ઘણી કામ આવી છે. જૂડીએ દર્દીને કેન્દ્રમાં રાખીને કોડિંગ કર્યું. જ્યારે તેમને ક્લિનિકલ સિસ્ટમ ડેવલપ કરવાનું શરૂ કર્યું ત્યારે હેલ્થકેર સિસ્ટમના નામ પર માત્ર બિલિંગ અને લેબ હયાત હતા. કોઈ પ્રકારનો વિસ્તૃત ડેટાબેઝ નહોતો.
એક ઈન્ટરવ્યુમાં જૂડી કહે છે કે શરૂઆતમાં મને ખબર નહોતી કે માર્કેટિંગ કેવી રીતે કરી શકાય છે. તેથી અમે માર્કેટિંગ કર્યું નહીં. મેં એ કર્યું, જે મને આવડતું હતું. હું ટેકનિકલ પર્સન છું. મને સોફ્ટવેરની ભાષા આવડે છે. તેથી મેં તેના પર ફોકસ કર્યું. બાકી કામ લોકોએ કરી દીધું. લોકોએ તેનો પ્રચાર કર્યો. પ્રચારથી દૂર રહેવાની નીતિનું આ પરિણામ છે કે કંપનીના કુલ સ્ટાફના માત્ર બે ટકા સેલ્સ અને માર્કેટિંગના કામ માટે છે. કંપની માટે તેમનું લક્ષ્ય છે - સારું કરો, અનુભવ કરો અને નાણાં કમાઓ.
કંપનીનું પહેલું મૂળ નામ હતું - હ્યુમન સર્વિસીસ કમ્પ્યૂટિંગ. પરંતુ ૧૯૮૩માં તેનું નામ બદલીને ઈપિક સિસ્ટમ્સ કરાયું. ખાસ વાત છે કે તેમની કંપનીએ ક્યારેય પણ વેન્ચર અને પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ પાસેથી ભંડોળ એકત્ર નથી કર્યું. જોકે, તેના માટે તેમને સતત દરખાસ્તો મળતી રહેતી હતી, પરંતુ જૂડીએ હંમેશા ઈનકાર કરી દીધો. ૧૯૪૩માં જન્મેલા જૂડીએ ડિકિન્સન કોલેજમાંથી મેથેમેટિક્સમાં બેચલર્સની ડિગ્રી લીધી અને તેમના બાદ કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેમણે કંપની ઈપિક શરૂ કરી હતી.
કંપનીની વેબસાઈટ મુજબ તેમની પાસે ૧૯૦ મિલિયન પેશન્ટ્સનો રેકોર્ડ ઉપલબ્ધ છે. આ સિવાય ઈપિકનું વેરાના સ્થિત કેમ્પસ પણ ખાસ છે. કેમ્પસનું દરેક સેક્શન અલગ અલગ થીમ પર છે. તેમાં ફાર્મિંગથી લઈને કેસલ સુધી અને ન્યૂ યોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે. મીટિંગ માટે અહીં ટ્રી-હાઉસ બનેલા છે. પોતાની જરૂરિયાતની એનર્જી બનાવવા માટે અહીં વિન્ડ ટર્બાઈન લાગેલી છે અને ૧૮ એકરમાં સોલર પેનલ છે.
• દરરોજ ઈપિકના ૧૦ લાખથી વધુ રેકોર્ડ્સનો ઉપયોગ ડોક્ટર્સ કરે છે, કંપનીમાં ૮ હજારથી વધુ કર્મચારી
• જૂડી તેમની સંપત્તિનો ૯૯ ટકા હિસ્સો ગિવિંગ પ્લેજને આપવાની જાહેરાત કરી ચૂક્યાં છે
• ફોર્બ્સે ગયા વર્ષે તેમની કુલ સંપત્તિનું આકલન ૨.૨ બિલિયન કર્યું છે, અને અમેરિકાનાં રિચેસ્ટ સેલ્ફમેડ મહિલાઓમાં જૂડીનું નામ ત્રીજા નંબરે છે