નવી દિલ્હીઃ દિલ્હીના સમયપુરની સીમા ઢાકાએ ૫ ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ ૭૬ લાપતા બાળકોની ભાળ મેળવી છે અને તેના માટે તેને ઈનામ – પ્રોત્સાહન મળશે. દિલ્હીના સમયપુર બાદલીમાં તહેનાત હેડ કોન્સ્ટેબલ સીમા ઢાકાને આઉટ ઓફ ટર્ન પ્રમોશન મળશે. દિલ્હી પોલીસે તાજેતરમાં આ ઘોષણા કરી છે. સીમાએ માત્ર ૩ મહિનાની અંદર ૭૬ લાપતા બાળકોને શોધી કાઢ્યા છે. સીમાએ પ્રમોશનના સમાચાર સાંભળીને આનંદ વ્યક્ત કર્યો છે. દિલ્હી પોલીસના અધિકારી અનિલ મિત્તલે જણાવ્યું હતું કે, ૫ ઓગસ્ટે પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે ગુમ થયેલા બાળકોને શોધી લાવનાર કોન્સ્ટેબલને આઉટ ઓફ ટર્ન પ્રમોશનની જાહેરાત કરી હતી.
૧૫ બાળકોની વય ૮ વર્ષથી ઓછી
પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવે તેના માટે શરત રાખી હતી. જો કોઈ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ એક વર્ષની અંદર ૧૪ વર્ષથી ઓછી વયના ઓછામાં ઓછા ૫૦ બાળકોની ભાળ મેળવી લેશે તો તેને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવશે. આ બાળકોમાંથી ૧૫ બાળકોની વય ૮ વર્ષથી ઓછી હોવી ફરજિયાત હતું.
સીમાએ ૫૬ બાળકો શોધ્યા
સીમા ઢાકાએ ૫ ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ ૭૬ બાળકોની ભાળ મેળવી છે. આ બાળકોને દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી શોધવામાં આવ્યા છે. તેમાં ૫૬ બાળકોની વય ૧૪ વર્ષથી ઓછી છે. સીમાના પ્રમાણે, તેમણે જે બાળકોને શોધ્યા છે તેમાં અનેક બાળકો બિહાર, બંગાળ અને અન્ય રાજ્યોમાંથી મળ્યા છે.
ઓગસ્ટથી ૧૪૪૦ બાળકોને શોધ્યા
દિલ્હી પોલીસના પીઆરઓએ જણાવ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં ૩૫૦૭ બાળકો ગુમ થયાના રિપોર્ટ નોંધાયા છે. તેમાંથી ૨૬૨૯ બાળકોને ટ્રેસ કરી લેવાયા છે. સૌથી વધુ ૧૪૪૦ બાળકો પોલીસ કમિશનરની ઘોષણા પછી શોધી લેવાયા છે. ૨૦૧૯માં ૫૪૧૨ બાળકો ગુમ થયાની ફરિયાદો નોંધાઈ હતી. તેમાંથી અત્યાર સુધીમાં ૩૩૩૬ બાળકો મળી ચૂક્યા છે.