લેહઃ લદાખમાં વિશ્વનું પ્રથમ એસ્ટ્રો વિલેજ બનાવાયું છે. ત્યાં પાંચ હોમસ્ટે છે. તેમનું સંચાલન ૧૫ ગામની ૩૦ મહિલા કરે છે. લદાખ તેની ઊંચાઈ અને શુષ્ક આબોહવાના કારણે એસ્ટ્રોનોમી માટે બિલકુલ યોગ્ય જગ્યા છે. અહીં રાત્રે આકાશમાં તારા અને ગ્રહો સહેલાઈથી ઓળખી શકાય છે. પહેલેથી જ લદાખ બરફીલા પહાડોના કારણે પર્યટકોનું માનીતું છે. એસ્ટ્રો વિલેજના કારણે પર્યટકોની સંખ્યા હજુ વધશે. સ્થાનિક લોકોએ લદાખમાં રાતના આકાશને સંશાધન તરીકે જોયું. તેને રોજગારીનું માધ્યમ બનાવવાનું નક્કી કર્યું અને એસ્ટ્રો હોમસ્ટે બનાવ્યા. સામાજિક સંસ્થા ગ્લોબલ હિમાલયન એક્સપેન્ડિશને ૨૦૧૩માં સ્થાનિક લોકોને એસ્ટ્રો હોમસ્ટે બનાવવાનો માર્ગ ચીંધ્યો. સંસ્થાએ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન સાથે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. પ્રોજેક્ટનું નામ એસ્ટ્રોનોમી ફોર હિમાલયન લાઇવલીહૂડ છે. સંસ્થાએ પહેલાં એસ્ટ્રો વિલેજમાં હોમ સ્ટે બનાવ્યા. પછી મહિલાઓને તે ચલાવવાની તાલીમ આપી. હવે આ મહિલાઓ ટેલિસ્કોપ ઓપરેટ કરવાનું જાણે છે. તેમને અવકાશી ઘટનાઓની સારી સમજ કેળવાી છે. તેઓ પર્યટકો માટે રહેવાની વ્યવસ્થા પણ કરે છે. માઉન્ટન હોમસ્ટેઝએ પણ લદાખના ગામોમાં એસ્ટ્રો હોમ સ્ટે બનાવ્યા છે.
રોજ સરેરાશ ૧૦ પર્યટક
લદાખનું પ્રથમ એસ્ટ્રો હોમસ્ટે પેંગોંગ ટીસો નજીક માન ગામમાં બનાવાયું છે. માન ગામની ૪ મહિલાને તાલીમ અપાઈ છે. અહીં ૧૦ ઇંચના ઓટોમેટિક ટ્રેકિંગ ટેલિસ્કોપ છે. છેલ્લા ૨ મહિનામાં ૨૦૦થી વધુ પર્યટક અહીં આવ્યા. તેનાથી રૂ. ૫૦ હજાર આવક થઈ છે. અહીં રોજ સરેરાશ ૧૦ પર્યટક નાઇટ સ્કાય વોચિંગ માટે આવે છે.