નાગૌર (રાજસ્થાન)ઃ દેશમાં આજે પણ ૨૧ સદીમાં દીકરીઓને બોજારૂપ સમજવામાં આવે છે. બીજી તરફ, બાળ-લગ્ન, યુવતીમાં ઓછા શિક્ષણનું પ્રમાણ જેવી બાબતોની વચ્ચે રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક દાદાએ અનોખું દૃષ્ટાંત રજૂ કર્યું છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાના કુચેરા ક્ષેત્રના નિમ્બડી ચાંદાવતાના એક સામાન્ય ખેડૂતે પોતાના ઘરમાં દીકરીનો જન્મ થતાં તેની અનોખી રીતે ઉજવણી કરી હતી.
નાગૌરના ખેડૂત મદનલાલ પ્રજાપતિના પરિવારમાં ૩૫ વર્ષે પુત્રી-રત્નની પધરામણી થઇ તેની ખુશીમાં આખા પરિવારે ખાસ રીતે ઉજવણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પુત્રીને પોતાના મામાના ઘરેથી હેલિકોપ્ટર પોતાના ઘેર લાવવામાં આવી હતી. એટલું જ નહીં, હેલિપેડથી લઈને ઘરના રસ્તા સુધી ગામના લોકોએ બાળકીના સન્માનમાં ફૂલ પાથર્યા હતા અને બેન્ડવાજા સાથે પૌત્રીના સ્વાગત-સત્કાર કરવામાં આવ્યા હતા. આ માટે ૧૦થી ૧૨ દિવસ પહેલાં તૈયારીઓ શરૂ કરાઈ હતી. પૌત્રીના સ્વાગત માટે દાદા મદનલાલે કોઈ કસર બાકી ન રાખવાનો નિર્ણય કર્યો હતો. આથી દાદાએ પોતાના ખેતરનો તમામ પાક વેચીને પાંચ લાખ રૂપિયા એકત્ર કર્યા, આ રકમથી તેમણે હેલિકોપ્ટર સેવા રેન્ટ પર લીધી હતી. જિલ્લા કલેક્ટરે પણ પુત્રી-જન્મની ઉજવણીમાં કોઇ કસર ન રહે તે માટે બે સ્થળે હેલિપેડ તૈયાર કરવા માટે મંજૂરી આપી દીધી હતી.
પુત્રીના પિતા હનુમાન પ્રજાપતિ અને પત્ની ચુકા દેવી દીકરીને મામાના ઘરથી હેલિકોપ્ટરથી લઈને આવ્યા હતા અને ૨૧ એપ્રિલે પહેલી વાર દુર્ગાનવમીના અવસર પર દીકરીનો ગૃહપ્રવેશ કરાવ્યો હતો. બાળકીનો જન્મ તેના મામાના ઘેર હરસોલાવ ગામમાં ત્રીજી માર્ચે થયો હતો. ગામમાં પોતાના દાદાના ઘેર પહોંચ્યા બાદ સિદ્ધિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.નાની (મામાના ઘરે)ના ઘરે પુત્રી સિદ્ધિના પિતા હનુમાનરામ, ફુઆ અર્જુન પ્રજાપત, હનુમાન રામના પિતરાઈ ભાઈ પ્રેમ અને રાજૂરામ પહોંચ્યા હતા. સવારે ૯ કલાકે હેલિકોપ્ટરમાં બેસીને તમામ નિમ્બડી ચાંદાવતાથી દીકરીને લઈને હરસોલાવ ગામ પહોંચ્યા હતા. આ રીતે બપોરે ૨.૧૫ને કલાકે હેલિકોપ્ટર દ્વારા દીકરી દાદાના ઘેર પહોંચી હતી. બાદમાં બાકીના રીત-રિવાજ અને ધાર્મિક વિધી પૂર્ણ કરાઈ હતી.