કાસાવો (યુગાન્ડા)ઃ સંતાનોની બાબતમાં ભારતમાં અત્યાર સુધી ‘હમ દો, હમારે દો’ની નીતિ હતી. છેલ્લા કેટલાય વર્ષોથી તો ભારતીય દંપતીઓએ જાણે હમ દો, હમારા એકની સ્વૈચ્છિક નીતિ અમલમાં મૂકી છે. બીજી તરફ, ચીનમાં તો ઘણાં સમયથી માત્ર એક બાળકને જન્મ આપવાનું સરકારી ફરમાન છે. વિશ્વભરમાં સ્ત્રીઓનો પ્રજનન દર ઘટતો જાય છે ત્યારે યુગાન્ડાની એક સ્ત્રી ૪૪ બાળકો (જીવિત ૩૮)ની માતા હોવાની વાત કરીએ તો સામેવાળાનું મોં અચંબાથી પહોળું થઈ જાય તેમાં નવાઈ નથી. આ વાત વિશ્વની સૌથી ફળદ્રૂપ મહિલા યુગાન્ડાની ૩૯ વર્ષીય મરિયમ નાબાતાન્ઝીની છે.
આફ્રિકામાં વિશાળ પરિવાર સામાન્ય છે અને યુગાન્ડામાં મહિલા સરેરાશ પાંચ-છ બાળકને જન્મ આપે છે. જોકે તેમની સરખામણીએ પણ મરિયમ વિશિષ્ટ છે. તે માત્ર ૧૨ વર્ષની હતી ત્યારે તેનાં લગ્ન થયાં હતાં અને ૧૩મા વર્ષે તો તેણે જોડિયા સંતાનને જન્મ આપ્યો હતો. આ પછી તો દર વર્ષે પ્રસૂતિ આવતી ગઈ અને ૨૫ વર્ષની વયે તો તે ૨૫ બાળકોની માતા બની ગઇ હતી. તેની કુલ ૧૫ પ્રસૂતિમાં જન્મેલાં મોટા ભાગના બાળકો ટ્વીન્સ છે. તેણે છ વખત જોડિયા બાળકો (૧૨), ત્રિપુટીના ચાર (૧૨) અને પાંચ વખત ચાર બાળક (૨૦) મળીને કુલ ૪૪ બાળકોને જન્મ આપ્યો છે, જેમાંથી છ બાળકોનાં મોત થવાથી હાલ ૩૮ બાળકો હયાત છે.
મરિયમ પ્રથમ વખત માતા બની ત્યારે બર્થ કન્ટ્રોલ સંબંધે ડોક્ટરની સલાહ લીધી હતી. જોકે, ડોક્ટરે તેને સ્પષ્ટ કહ્યું કે બર્થ કન્ટ્રોલની દવાઓ તેનાં માટે જીવલેણ બની શકે છે. સામાન્ય સ્ત્રીની સરખામણીએ મરિયમનાં અંડાશય-સ્ત્રીપિંડ ઘણાં મોટાં હોવાથી સ્ત્રીબીજનું ઉત્પાદન વધુ થાય છે, જે તેની અપાર ફળદ્રુપતાનું કારણ છે.
મરિયમને તમામ બાળકો એક જ પતિથી થયાં છે, જે ત્રણ વર્ષ અગાઉ તેને છોડીને જતો રહ્યો છે. આના કારણે, તમામ બાળકોને તે એકલાં હાથે જ ઉછેરી રહી છે. તેમને પતરાં અને સિમેન્ટની બનેલી દીવાલોના ઓરડામાં રહેવું પડે છે. મરિયમનો મોટા ભાગનો સમય આટલા બધાં બાળકોનાં ઉછેર માટે જરૂરી નાણાં કમાવામાં નીકળી જાય છે. તે હેર ડ્રેસરથી માંડી ઈવેન્ટ ડેકોરેટર, ભંગાર એકઠો કરવાથી માંડી ચીજવસ્તુઓનાં વેચાણ સહિતની જાતભાતની કામગીરી કરતી રહે છે, જેથી શક્ય તેટલી વધુ કમાણી કરી શકે.
આ પરિવારને એક દિવસમાં ૨૫ કિલો મકાઈ લોટની જરૂર પડે છે. માછલી અથવા માંસ મળે તે દિવસ તો વળી જાણે તહેવાર જ બની જાય છે. તેનો સૌથી મોટો ૨૩ વર્ષનો પુત્ર ઈવાન કિબુકા પણ શાળા છોડી માતાને કમાવામાં સાથ આપે છે. મોટાં બાળકો નાના ભાંડુઓને સાચવી લે છે.
મરિયમનું બાળપણ બહુ પીડામાં પસાર થયું છે. મરિયમનાં જન્મના ત્રણ જ દિવસ બાદ તેની માતા પતિ અને પાંચ સંતાનને છોડી જતી રહી હતી. તે સાત વર્ષની હતી ત્યારે જ સાવકી માતાએ પાંચ બાળકને ભોજનમાં ઝેર આપી દીધું હતું. જોકે આ સમયે મરિયમ તેનાં સગાંના ઘેર હોવાથી બચી ગઈ હતી. પોતાનો ઉછેર અભાવ - અછત વચ્ચે થયો હોવાથી હવે તે પોતાનાં સંતાનોને તમામ સુખ અને ખુશી આપવાં માગે છે.