૬ દસકા બાદ... ૬ મહિલા ખેલાડીઓની ઓલિમ્પિક-પેરાલિમ્પિકમાં ઐતિહાસિક એન્ટ્રી

Wednesday 07th July 2021 04:58 EDT
 
 

ટોક્યોમાં યોજાનારા રમતોના મહાકુંભ ઓલિમ્પિક અને ત્યારબાદ દિવ્યાંગ ખેલાડીઓ માટેના પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની છ મહિલા ખેલાડીઓની પસંદગી સાથે નવો ઈતિહાસ રચાયો છે. ગુજરાતના રમતગમતના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ વિશ્વના સર્વોચ્ચ રમતોત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ટોક્યોમાં ૨૩ જુલાઈથી શરૂ થનારા ઓલિમ્પિક રમતોત્સવમાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર અંકિતા રૈના, શૂટર ઈલાવેનિલ વાલારિવન અને સ્વિમર માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરતાં મેડલ જીતવાનો પ્રયાસ કરશે. અંકિતા, ઈલાવેનિલ અને માના આ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કરી ચૂક્યાં છે.
જ્યારે ૨૪મી ઓગસ્ટથી ટોકયોમાં જ શરૂ થનારા દિવ્યાંગો માટેના રમતોના મહાકુંભમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓમાં ગુજરાતના ભૂતપૂર્વ મલ્ટિપલ વર્લ્ડ ચેમ્પિયન પેરા બેડમિન્ટન ખેલાડી પારુલ પરમારની સાથે સાથે પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓ ભાવિના પટેલ અને સોનલ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. પારુલ પરમાર તો અગાઉ વર્લ્ડ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ તેમજ એશિયન પેરા ગેમ્સમાં દેશને ગોલ્ડ મેડલ અપાવી ચૂક્યા છે. ભાવિના પટેલ અને સોનલ પટેલે પણ પેરા ટેબલ ટેનિસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા હાંસલ કરી છે.
અમદાવાદની વતની આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી અંકિતા રૈનાની પ્રતિભાને શરૂઆતમાં ગુજરાતમાં જ નિખાર મળ્યો, જે પછી તેણે પૂણેમાં ઉચ્ચ સ્તરની તાલીમ મેળવી હતી. જ્યારે મૂળ તમિલનાડુની ઈલાવેનિલ અમદાવાદમાં ઉછરી છે અને ગુજરાતમાં જ તેણે શૂટિંગની શરૂઆત કરીને તબક્કાવાર રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિભાને વિસ્તારી હતી. અમદાવાદની માના પટેલની કારકિર્દીને નિખાર આપવામાં તેના કોચ અને સ્વિમિંગ ફેડરેશનના કમલેશ નાણાવટીની ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે તો ઉદ્ગમ સ્કૂલનું પ્રદાન પણ મહત્ત્વનું રહ્યું છે. ગાંધીનગરની પારુલ પરમારે તેમના સ્વ. પિતા દલસુખભાઈની પ્રેરણાથી બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. જ્યારે અમદાવાદના ભાવિના પટેલ અને સોનલ પટેલના રમતગમત કૌશલ્યને ડેવલપ કરવામાં કોચ લાલન દોશીનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.
ઓલિમ્પિકના ઈતિહાસમાં ગુજરાત
આંતરરાષ્ટ્રીય રમતવિશ્વમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ સાથે આગવી ઓળખ ઊભી કરી છે. ઓલિમ્પિક્સમાં આ અગાઉ છેલ્લે ગુજરાતના કોઈ ખેલાડીએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય તેવી ઘટના ૧૯૬૦માં બની હતી. રોમમાં યોજાયેલા તે ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી ભારતીય હોકી ટીમમાં ગુજરાતના ગોવિંદરાવ સાવંત પણ સામેલ હતા. જ્યારે તે અગાઉ ઈ.સ. ૧૯૩૬ના બર્લિન ઓલિમ્પિકમાં ગુજરાતના શંકરરાવ થોરાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
છ દસકા બાદ..
રાજ્યાના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મહિલાઓ ખેલાડીઓની સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે ‘રમતગમત ક્ષેત્રે સતત પ્રોત્સાહન સહાય, તાલીમ આપવાની રાજ્ય સરાકરની નીતિથી છેલ્લા કેટલાક વર્ષથી સારું પરિણામ મળી રહ્યું છે. આ વર્ષે ૨૩મી જુલાઈથી શરૂ થઇ ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવમાં ગુજરાતની ૬ છોકરીઓ ભાગ લઈ રહી છે. તેમને મારા અભિનંદન અને રાજ્યનું નામ રોશન કરવાની હાર્દિક શુભકામનાઓ.

માના પટેલ (સ્વિમિંગ)
આંતરરાષ્ટ્રીય સ્વિમિંગમાં મેડલ્સ જીતી ચૂકેલી માના પટેલ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની ૧૦૦ મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં ભાગ લેશે. માના પટેલ આ સાથે ઓલિમ્પિકમાં ભાગ લેનારી દેશની સૌપ્રથમ મહિલા સ્વિમર બનશે. તેને યુનિવર્સલ ક્વોટાને આધારે ટોકિયો ગેમ્સમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. માના નેશનલ સ્વિમિંગમાં વિક્રમોની હારમાળા સર્જી ચૂકી છે.

અંકિતા રૈના (ટેનિસ)
ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર અંકિતા રૈના વિમેન્સ સિંગલ્સમાં રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ ક્રમાંક ધરાવે છે. તે વિમેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ભારતની સાનિયા મિર્ઝા સાથે જોડી જમાવીને ઓલિમ્પિકના મેદાનમાં ઉતરશે. તેણે એશિયન ગેમ્સમાં બ્રોન્સ મેડલ જીત્યો છે, જેના કારણે તેને ટોક્યો ઓલિમ્પિકની સિંગલ્સ ઈવેન્ટમાં પ્રવેશ આપવા માટે એઆઈટીએ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ઈલાવેનિલ વાલારિવન (શૂટિંગ)
ગુજરાતની આંતરરાષ્ટ્રીય શૂટર ઈલાવેનિલ વાલારિવન આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે. ઈલાવેનિલ ટોકિયો ઓલિમ્પિકમાં મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લેશે. ઈલાવેનિલ તેની ઈવેન્ટમાં હાલ વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવે છે અને તે બીજા ક્રમે રહેલી અમેરિકાની પ્રતિસ્પર્ધી કરતાં ૩૧૧ પોઈન્ટ આગળ છે.

પારુલ પરમાર (પેરા બેડમિન્ટન)
એકથી વધુ વખત પેરા વર્લ્ડ બેડમિન્ટન અને એશિયન પેરા ગેમ્સમાં ભારતને મેડલ અપાવી ચૂકેલી પારુલ પરમાર ટોકિયો પેરાલિમ્પિક માટે રેન્કિંગને આધારે ક્વોલિફાય થયા છે. તેઓ પેરા બેડમિંટનની વિમેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ વિમેન્સ ડબલ્સમાં પલક કોહલી સાથે અને મિક્સ ડબલ્સમાં રાજકુમાર સાથે ઉતરશે.

ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ)
ગુજરાતની આંતરરાષ્ટ્રીય પેરા ટેબલટેનિસ ખેલાડી ભાવિના પટેલ ટોકિયો પેરાલિમ્પિકમાં સિંગલ્સ અને ટીમ ઈવેન્ટમાં સ્પર્ધામાં ઉતરશે. વર્લ્ડ રેન્કિંગમાં આઠમું સ્થાન ધરાવતી ભાવિના પટેલ તેના વર્ગમાં દેશની નંબર વન ખેલાડી છે. તેણે પાંચ ગોલ્ડમેડલ પણ હાંસલ કર્યા છે અને રેન્કિંગને આધારે તેમને પેરાલિમ્પિકમાં પ્રવેશ મળ્યો છે.

સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ)
આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ વર્લ્ડ રેન્કિંગમાં ૧૯મું સ્થાન ધરાવે છે. તેઓ ટોક્યો પેરાલિમ્પિકમાં સિંગલ્સ અને ટીમ ઈવેન્ટમાં ભાગ લેશે. અત્યાર સુધી તેણે ૨૫ જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને બે ગોલ્ડ સહિત અનેક મેડલ્સ જીતી ચૂકી છે. રેન્કિંગના આધારે તે સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter