આફ્રિકાના દેશ ઇથિયોપિયાના પહાડી વિસ્તારમાં રહેતાં મમિતુ ગાશ (ઉં ૭૩) ૧૬ વર્ષની વયે ગર્ભવતી હતાં. લખી કે વાંચી પણ ન શકતા મમિતુ પહાડી ગામોમાં મજૂરી કરતાં હતાં. સગર્ભાવસ્થામાં ૪ દિવસ સુધી અસહ્ય પીડા સહન કર્યા બાદ તેમનું બાળક બચી ન શક્યું. મમિતુના શરીરમાં ઓબ્સ્ટેટ્રિક ફિસ્ટુલા નામક ભયાનક ઘા રહી ગયા. આ બીમારીમાં યોનિ અને મળાશય વચ્ચે નાના-નાના કાણાં પડી જાય છે. મળ - મૂત્ર અનિયંત્રિત થાય છે. પીડા અને ભારે દુર્ગંધથી જીવન જીવવું મુશ્કેલ બને છે.
શહેરમાં સારવાર થઈ
પડકારજનક જિંદગી જીવતાં મિમુતનું નસીબ તેમને રાજધાની અદીસ અબાબા લઇ આવ્યું. અહીં મહાન ઓસ્ટ્રેલિયન ડોક્ટર કેથરીન હેમલીને તેમની સારવાર કરી. મમિતુ સાજા થઇ ગયાં અને ડો. કેથરીન તેમનાં આદર્શ અને મિત્ર બની ગયા. મમિતુના કાપા - ચીરા એટલા હતા કે ૧૦ ઓપરેશન છતાં તેઓ સંપૂર્ણ સાજાં થઇ શક્યાં નહોતાં. ડો. કેથરીન અને તેમના પતિએ સ્ત્રીઓ માટે અભિશાપ બનેલી આ બીમારી જોઇને ઇથિયોપિયામાં ફિસ્ટુલા હોસ્પિટલ શરૂ કરી. ડો. કેથરીન ઓપરેશન થિયેટરમાં મમિતુને લઇને પણ જવા લાગ્યા. તેમનો ઉત્સાહ અને ધગશ જોઇને કેથરીને તેમને સારવારની તાલીમ આપવાનું શરૂ કર્યું. ઘણીવાર તેમનો હાથ પકડીને ઓપરેશન કરતા પણ શીખવ્યું.
મમિતુ સર્જરીમાં નિષ્ણાત
ડો. કેથરીનના માર્ગદર્શનમાં મમિતુ ઇથિયોપિયામાં ફિસ્ટુલાના ટોપ સર્જન બન્યાં. આ બીમારી તેમજ અન્ય આ પ્રકારની બીમારીઓથી પીડિત સ્ત્રીઓને બચાવવાના સંકલ્પના લીધે નિરક્ષર મમિતુ ‘ફ્યુચર ઓફ આફ્રિકન મેડિસિન’ બન્યાં. વર્ષ ૧૯૮૯માં લંડનની રોયલ કોલેજ ઓફ સર્જને મમિતુને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કર્યાં હતાં. વર્ષ ૨૦૧૮માં બીબીસીએ ૧૦૦ પ્રતિષ્ઠિત મહિલાની યાદીમાં મમિતુને ૩૨મું સ્થાન આપ્યું હતું. હાલમાં મમિતુ ૭૩ વર્ષનાં છે છતાં દર્દીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેઓ વર્તમાનમાં પણ ઓપરેશન થિયેટરમાં હાજર રહે છે.
માત્ર ધગશથી નિષ્ણાત બન્યાં
મમિતુ એવા અનોખા ગ્રુપનો હિસ્સો છે કે જેને લોકો પ્રેમથી ‘બેરફુટ સર્જન’ કહે છે. તેના સભ્યો કોઇ ફોરમલ ટ્રેનિંગ વિના ઓપરેશન કરે છે. તેઓ કોઇ એક ક્ષેત્રના નિષ્ણાત હોય છે અને કુદરતી કૌશલ્યથી તથા જોઇ-જોઇને સારવાર કરવાનું શીખ્યા હોય છે. આ ગ્રુપને ઇન્ટરનેશનલ મેડિકલ કમ્યુનિટી તરફથી પણ માન્યતા અને પ્રશંસા મળેલી છે.