ફેસબુક પર ૮૧ વર્ષીય બ્રિટિશ મહિલા આઈરિસ જ્હોન્સની મુલાકાત તેનાથી ૪૫ વર્ષ નાના યુવક ઈજિપ્શિયન યુવક મહોમ્મદ અહમદ ઈબ્રાહિમ સાથે કેટલાક સમય પહેલાં થઈ હતી. થોડા જ દિવસોમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. એ પછી આઈરિસ અને મહોમ્મદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
આઈરિસે કહ્યું કે, હું પ્રથમવાર ઇબ્રાહિમને મળી ત્યારે બહુ નર્વસ હતી અને તેની આંખોમાં સાચા પ્રેમને શોધી રહી હતી. મહોમ્મદે કહ્યું કે, હું ઘણો લકી છું કે, મને સાચો પ્રેમ કરનારી આઈરિસ જેવી વ્યક્તિ મળી. આઈરિસના દીકરાની ઉંમર ૫૪ વર્ષ છે તે જોકે આ સંબંધની વિરુદ્ધ છે. તેણે પોતાની માતાને લગ્ન કરવાની ના પાડી પણ આઈરિસ ન માન્યાં.
ઘરવાળાની નારાજગી જોઇને આઈરિસે એક સાદું ફંક્શન રાખીને મહોમ્મદ સાથે લગ્ન કર્યાં. તેમણે મેરેજના પેપર સાઈન કર્યાં અને એક રેસ્ટોરાંમાં જઈને ભોજન કર્યું. મહોમ્મદ ઈજિપ્તમાં રહે છે અને આઈરિસ બ્રિટનમાં રહે છે. તેઓ ઈચ્છે છે કે મહોમ્મદ વિઝા લઈને બ્રિટન આવી જાય પણ તેને વિઝા મળવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આ કારણે બંને સાથે રહી શકતા નથી. સોશિયલ મીડિયા દ્વારા બંને એકબીજાને પ્રેમ જાહેર કરતા રહે છે.
ઈન્ટરનેટ પર આ કપલની લવસ્ટોરી વાઈરલ થઈ ગયા પછી લોકો વિવિધ સ્ટોરી બનાવી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું, મહોમ્મદે આઈરિસ સાથે તેમના પૈસાને લીધે લગ્ન કર્યાં. આના જવાબમાં મહોમ્મદે કહ્યું કે, મારે આઈરિસની મિલકત જોઈતી નથી, મારી પાસે જેટલું છે તેમાં હું ખુશ છું.