વોશિંગ્ટનઃ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને એકટર પ્રિયંકા ચોપરા જોનાસે એક લીડરશીપ ફોરમમાં એક મંચ શેર કર્યો ત્યારે પોતાના ભારતીય મૂળ, લગ્નમાં સમાનતા અને જળવાયુ પરિવર્તન વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
લગ્ન બાદ લોસ એન્જલસમાં સ્થાયી થયેલી પ્રિયંકાને ગયા શુક્રવારે ડેમોક્રેટિક નેશનલ કમિટીના વીમેન લીડરશીપ ફોરમે વાઇસ પ્રેસિડેન્ટ હેરિસની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પ્રિયંકાએ મુલાકાતની શરૂઆતમાં દેશભરમાંથી સંમેલનમાં આમંત્રિત અગ્રણી ડેમોક્રેટ્સથી ભરેલા હોલમાં બંનેના ભારતીય મૂળ વિશે વાત કરતાં કહ્યું કે આપણે બંને એક રીતે તો ભારતની પુત્રીઓ જ છીએ.
પ્રિયંકાએ વાતચીતનો દોર શરૂ કરતાં કમલા હેરિસને જણાવ્યું હતું કે તમે ભારતીય માતા અને જમૈકન પિતાના અમેરિકન મૂળનાં પુત્રી છો જ્યારે હું ડોકટર માતા-પિતાની ભારતમાં જન્મેલી પુત્રી છું અને હાલમાં જ આ દેશમાં સ્થાયી થઈ છું અને હું અમેરિકાને મહાન રાષ્ટ્ર બનવાના સ્વપ્નમાં વિશ્વાસ ધરાવું છું.
પ્રિયંકાએ જણાવ્યું કે અમેરિકાને આશા, સ્વતંત્રતા અને તમામની પસંદની દીવાદાંડી તરીકે ગણવામાં આવે છે, પણ અત્યારે આ જ સિદ્ધાંતો પર અવિરત હુમલા થઈ રહ્યા છે.
કમલા હેરિસે જણાવ્યું કે મેં સમગ્ર વિશ્વનો પ્રવાસ કર્યો છે અને રૂબરૂમાં અથવા ફોન પર વિશ્વના 100 જેટલા નેતાઓ સાથે વાત કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જેની અવગણના કરી હતી તે મુદ્દા હવે ચર્ચા અને સવાલો સાથે આપણી સમક્ષ રજૂ થઈ રહ્યા છે.
કમલા હેરિસે જણાવ્યું કે આપણે ધારતા હતા કે પોતાના શરીર વિશે નિર્ણય લેવાનો મહિલાનો બંધારણીય અધિકાર છે, પણ હવે તેવું રહ્યું નથી. સુપ્રીમ કોર્ટે રો વર્સિસ વેડ કેસમાં 1973ના ચુકાદાને પણ ઉલટાવી દીધો છે જેમાં મહિલાને ગર્ભપાત કરાવવાનો અધિકાર મળતો હતો.
પ્રિયંકાએ આ મુદ્દે કમલા હેરિસ સાથે સહમત થતા જણાવ્યું કે આ બાબતે હજી ઘણુ કરવાનું બાકી છે.
પ્રિયંકાએ તાજેતરમાં જ જ્યાં વાવાઝોડું ત્રાટક્યું હતું તેવા ફ્લોરિડામાં કરાયેલા રાહત કાર્યોની પ્રશંસા કરતા જળવાયુ પરિવર્તનનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.