બેંગલૂરુ: ‘ઇસરો’ના ભૂતપુર્વ ડાયરેક્ટર અને હ્યુમન સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામના ડિરેક્ટોરેટ વી.આર. લલિતાંબિકાને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ધ લિજિયન ઓફ ઓનર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. લલિતાંબિકાને આ પુરસ્કાર ભારતમાં ફ્રાન્સના રાજદૂત થિયેરી મથૌએ એનાયત કર્યો હતો.
આ પુરસ્કારની સ્થાપના 1802માં નેપોલિયન બોનાપાર્ટે કરી હતી. ફ્રાન્સનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ધ લિજિયન ઓફ ઓનર’ શ્રેષ્ઠતમ યોગદાન માટે આપવામાં આવે છે. ફ્રાન્સના દૂતાવાસ તરફથી જણાવવામાં આવ્યું કે, એડવાન્સ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી એક્સપર્ટ લલિતાંબિકા વિશેષરૂપે પીએસએલવી સહિતનાં ‘ઇસરો’નાં અનેક રોકેટ કાર્યક્રમો સાથે જોડાયેલાં છે. વર્ષ 2018માં હ્યુમન સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામના ડાયરેક્ટર તરીકે ગગનયાન પ્રોજેક્ટ અંગે ફ્રાન્સની નેશનલ સ્પેસ એજન્સી (સીએનઈએસ)ની સાથે સમન્વય કાર્ય કર્યું હતું.