અમદાવાદ: વિખ્યાત મેગેઝિન ‘ટાઇમ’ દ્વારા તૈયાર કરવામાં આવેલી નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં ગુજરાતની માનસી જોશીએ સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. સામયિકે માનસીનો ફોટો કવરપેજ પર પ્રકાશિત કરીને તેની પ્રતિભાને બિરદાવી છે. માનસીએ ગયા વર્ષે સ્વિત્ઝર્લેન્ડમાં બીડબલ્યૂએફ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
એક અકસ્માતમાં ડાબો પગ ગુમાવવા છતાં માનસીએ પોતાના મક્કમ મનોબળના સહારે જિંદગી સામેનો જંગ જીત્યો છે. પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેળવેલી સિદ્ધિ બદલ ‘ટાઇમ’ મેગેઝિને માનસીને આગવી ઓળખ પ્રદાન કરી છે.
મૂળ રાજકોટમાં જન્મેલા માનસી ગિરીશચંદ્ર જોશીએ મુંબઈમાં બેડમિન્ટનની ટ્રેનિંગ લીધી હતી. હાલ માનસી તેની સાથે થયેલા અકસ્માતને ભૂલીને તેની ગેમ પર વધારે ફોકસ કરી રહી છે.
બાર્બી ડોલ પણ બની
માનસીએ સમય-સંજોગ સામે ટક્કર ઝીલીને જે સિદ્ધિ મેળવી છે તે સહુ કોઇ માટે પ્રેરણાદાયી છે. જગવિખ્યાત બાર્બી ડોલ્સનું નિર્માણ કરતી કંપનીએ ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પર માનસી જોશીની બાર્બી ડોલ તૈયાર કરીને તેની પ્રતિભાને બિરદાવી છે. બાર્બી ડોલ બનાવતી કંપની ઇક્વાલિટીની વિચારધારા પર વધારે ફોકસ રહીને તેની ડોલ તૈયાર કરતી હોય છે.