ટીકમગઢ : મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાનું હરપુરા મડિયા ગામ અનોખું છે. અહીં દરેક વૃક્ષ, દરેક ઘરની દીવાલો પર દીકરાઓના નામ લખેલા છે. વૃદ્વોએ ગામમાં ક્યારેય ભ્રૂણના જાતિપરીક્ષણ કે ભ્રુણહત્યાની નોબત નથી આવવા દીધી. પરિણામે આજે આ ગામે ‘દીકરીઓના ગામ’ તરીકેની ઓળખ મેળવી છે. ગામમાં ઘણાં પરિવાર એવા છે કે જેમના ઘરમાં એક દીકરા સામે પાંચ-પાંચ દીકરીઓ છે. માત્ર ૨,૧૦૭ની વસ્તીવાળા ગામમાં આજ કારણથી દર એક હજાર પુરુષો દીઠ ૧,૧૦૭ સ્ત્રીઓ છે. જ્યારે જિલ્લામાં દર એક હજાર પુરુષો દીઠ ૯૦૧ સ્ત્રીઓ છે. આ ગામ દીકરીઓ અને મહિલાઓના શિક્ષણ માટે પણ સજાગ છે. તેથી ગામમાં પુસ્તકાલય પણ ખોલાયું છે. ગામની જ ઇન્દ્રકુમારી લોધી અને રજની વિશ્વકર્મા સહિત ૪ દીકરીઓ મહિલાઓને શિક્ષિત કરવાનું કામ કરી રહી છે. તેના કારણે હરપુરા ગામમાં મહિલાઓનો સાક્ષરતા દર પણ ૮૬ ટકાથી વધુ છે.