હ્યુસ્ટનઃ ગુજરાતી પરિવારનાં પૂજા જોશીની અમેરિકી અવકાશ સંસ્થા ‘નાસા’માં ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક થઈ છે. ગયા અઠવાડિયે ‘નાસા’એ કુલ છ વ્યક્તિની ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક કરી હતી, જેમાં પૂજાનો પણ સમાવેશ થાય છે.
જ્યારે કોઈ સ્પેસ શટલને અવકાશમાં મોકલાય છે ત્યારે ફ્લાઈટ ડિરેક્ટરનો રોલ ખૂબ જ મહત્ત્વનો બની જતો હોય છે. ફ્લાઇટ ડિરેક્ટરે ‘નાસા’ના હ્યુસ્ટનસ્થિત કન્ટ્રોલ મથકમાં રહીને અવકાશમાં પરિભ્રમણ કરતી ફ્લાઈટ અને ગ્રાઉન્ડમાં રહેલા મિશન સાથે સંકળાયેલી કામગીરી સંભાળવાની હોય છે. મતલબ કે આખી ફ્લાઈટની જવાબદારી ફ્લાઈટ ડિરેક્ટર પર જ હોય છે.
જન્મ ઇંગ્લેન્ડમાં
‘નાસા’એ ૧૯૫૮માં ક્રિસ્ટોફર ક્રાફ્ટની પ્રથમ ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૯૭ ફ્લાઈટ ડિરેક્ટર એપોઈન્ટ થયા છે. પૂજા જોશી જેસરાની મૂળિયા ગુજરાતમાં છે, પરંતુ તેમનો ગુજરાત સાથે કોઈ પ્રત્યક્ષ સબંધ નથી.
પૂજાના પિતા અતુલ જોશી મુંબઈમાં ડોક્ટર તરીકે કાર્યરત હતા. પૂજાનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો છે, પણ એ દસ વર્ષની હતી ત્યારે તેનો પરિવાર અમેરિકા જઇ વસ્યો હતો. પૂજાએ ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ૨૦૦૭માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. અમેરિકામાં ફરજ બજાવતા એટર્ની પુરવ જેસરાની સાથે લગ્ન કરનાર પૂજાને સંતાનમાં અઢી વર્ષની એક દીકરી પણ છે.
પ્રથમ ભારતીય મહિલા
પૂજા છેલ્લા ૧૧ વર્ષથી ‘નાસા’ના હ્યુસ્ટનસ્થિત જ્હોન્સન સ્પેસ સેન્ટરમાં જ કામ કરે છે. હવે ‘નાસા’એ તેમની ફ્લાઈટ ડિરેક્ટર તરીકે પસંદગી કરી છે. ‘નાસા’માં ફ્લાઈટ ડિરેક્ટર બનનારા તેઓ પ્રથમ ભારતીય મહિલા હોવાનું મનાય છે.
નિર્ણાયક જવાબદારી
જ્યારે કોઈ સ્પેસ શટલને અવકાશમાં મોકલાય છે ત્યારે ફ્લાઈટ ડિરેક્ટરનો રોલ ખૂબ જ મહત્ત્વનો બની જતો હોય છે. ફ્લાઇટ ડિરેક્ટરે ‘નાસા’ના હ્યુસ્ટનસ્થિત કન્ટ્રોલ મથકમાં રહીને અવકાશમાં પરિભ્રમણ કરતી ફ્લાઈટ અને ગ્રાઉન્ડમાં રહેલા મિશન સાથે સંકળાયેલી કામગીરી સંભાળવાની હોય છે. મતલબ કે આખી ફ્લાઈટની જવાબદારી ફ્લાઈટ ડિરેક્ટર પર જ હોય છે.
હાલ ‘નાસા’ પાસે ૨૬ ફ્લાઈટ ડિરેક્ટર છે, તેમની સાથે જોડાઈને આ નવા છ ડિરેક્ટર કામ કરશે. ‘નાસા’એ થોડાક સમય પહેલા નવા ફ્લાઈટ ડિરેક્ટર માટે અરજીઓ મંગાવી હતી. ‘નાસા’ને દુનિયાભરમાંથી કુલ ૫૫૩ એપ્લિકેશન મળી હતી, જેમાંથી શ્રેષ્ઠ ૬ વ્યક્તિની પસંદગી કરાઇ છે.
પૂજા ઉપરાંત એલિસ બોલિંગર, એડી બોલસ, જોસ માર્કોસ, પોલ કોન્યા અને રિબેકા વિંગફિલ્ડની પસંદગી ફ્લાઇટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઇ છે. જોકે ફ્લાઇટ ડિરેક્ટર તરીકે સ્વતંત્ર જવાબદારી સોંપતા પહેલાં તેમને આકરી તાલીમ આપવામાં આવશે. ફ્લાઈટ કન્ટ્રોલ, ફ્લાઈટ વખતે માનસિક સ્થિરતા, રિસ્ક મેનેજમેન્ટ સહિતના વિવિધ પાસાંઓની તેમને ટ્રેનિંગ અપાશે.