વોશિંગ્ટનઃ ‘પતિની હત્યા કેવી રીતે કરશો?’ એવું પુસ્તક લખનારી લેખિકા નેન્સી કેપ્ટન બ્રોફીએ ખુદ તેના પતિની હત્યાના કેસમાં દોષિત ઠરી છે. હવે આગામી સુનાવણીમાં કોર્ટ તેને સજા ફરમાવશે. પતિ ડેનિયલની હત્યા કર્યાના ઘણા સમય સુધી કોઈને ખબર જ ન હતી કે હત્યા કોણે કરી? જોકે હવે સત્ય બહાર આવ્યું છે.
‘હાઉ ટુ મર્ડર યોર હસબન્ડ?’ એવું વિવાદાસ્પદ પુસ્તક લખનારી લેખિકાએ જાત અનુભવથી સ્ટોરી લખી હતી કારણ કે એ લેખિકાએ ખુદ ચાર વર્ષ પહેલાં તેના પતિની હત્યા કરી નાંખી હતી. અહેવાલો પ્રમાણે અમેરિકામાં રહેતી નેન્સી ક્રેમ્ટન બ્રોફી એક લેખિકા છે. તેણે નવલકથાના સ્વરૂપમાં એક પુસ્તક લખ્યું હતું, તેનું ટાઈટલ હતુંઃ ‘હાઉ ટુ મર્ડર યોર હસબન્ડ?’. જોકે આ પુસ્તકની લેખિકાએ ખુદ પોતાના પતિની હત્યા કરી છે તે બાબતે ઘણા સમય સુધી કોઈને જાણ ન હતી. પતિના મર્ડરનો કેસ ચાલતો હતો એ વખતે જ લેખિકાએ આ પુસ્તક લખ્યું હતું.
તેનો પતિ એક શેફ હતો. ગોળી ધરબીને નેન્સીએ પતિની હત્યા કરી હતી. કેટલાક લોકોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે જે સ્થળે નેન્સીના પતિ ડેનિયલની હત્યા થઈ હતી તે સ્થળે 30 મિનિટ પહેલાં નેન્સી ગઈ હતી અને ડેનિયલ સૌથી છેલ્લે નેન્સીને જ મળ્યો હતો. વિવિધ પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે નેન્સીને દોષી ઠેરવી છે.