‘ફેર એન્ડ લવલી’ બ્રાન્ડમાંથી ‘ફેર’ શબ્દ દૂર કરાશે

Monday 29th June 2020 15:17 EDT
 
 

નવી દિલ્હી: દેશની અગ્રણી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલીવર (એચયુએલ)ની બ્યુટી પ્રોડક્ટ ‘ફેર એન્ડ લવલી’ના નામ બાબતે તાજેતરમાં ચર્ચા ચાલી રહી છે. લોકપ્રિય સ્કીન કેર બ્રાન્ડ ‘ફેર એન્ડ લવલી’માંથી ‘ફેર’ શબ્દ દૂર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. કંપનીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ ક્રિમની જાહેરાતથી ડાર્ક સ્કીનવાળા લોકો વિરુદ્ધ સમાજમાં નકારાત્મક વલણ ફેલાતું હોવાની ટીકાઓ થઈ રહી હતી.
વધુમાં હાલ સમગ્ર વિશ્વમાં ‘બ્લેક લાઈવ્સ મેટર’ આંદોલન ચાલે છે. આ આંદોલનની ગંભીરતાને ધ્યાને લઈને પણ કંપનીએ આ પગલું ઉઠાવવાની ફરજ પડી હોવાનું મનાય છે. અમેરિકન હેલ્થકેર અને એફએમસીજી જ્હોન્સન એન્ડ જ્હોન્સને પણ તેની સ્કીન વ્હાઈટનિંગ ક્રિમ્સનું ભારત સહિત વૈશ્વિક સ્તરે વેચાણ અટકાવી દીધું છે.
ભારતમાં ચેન્જ-ઓઆરજી નામની સંસ્થા પણ રંગભેદ વિરુદ્ધ ઘણા વર્ષોથી અભિયાન ચલાવી રહી છે. હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ (એચયુએલ)એ જણાવ્યું હતું કે કંપનીએ બ્રાન્ડ નેમમાંથી ‘ફેર’ શબ્દ હટાવવા અંગેની જાહેરાત બહુ મહત્ત્વની છે. તેણે નવા નામ માટે નિયામકમાં અરજી કરી છે. આ નામને મંજૂરી મળતાં જ આગામી કેટલાક મહિનામાં નવી ક્રિમ બજારમાં મળતી થશે. ‘ફેર એન્ડ લવલી’ ક્રિમના રીબ્રાન્ડિંગ અંગે કંપનીએ કહ્યું કે એચયુએલ ૨૦૦૩માં સ્થાપિત ‘ફેર એન્ડ લવલી’ ફાઉન્ડેશનનું નામ પણ બદલશે. આ સંસ્થા મહિલાઓને શિક્ષણમાં આગળ વધવા માટે સ્કોલરશિપ આપે છે.
એચયુએલના ચેરમેન સંજીવ મહેતાએ જણાવ્યું હતું કે ‘ફેર એન્ડ લવલી’માં ફેરફાર ઉપરાંત એચયુએલના અન્ય સ્કીનકેર પોર્ટફોલિયોની જાહેરાતો પણ સકારાત્મક વિઝન સાથે દર્શાવાશે. કંપનીના સ્કીન કેર ઉત્પાદનો દરેક વ્યક્તિ અને ત્વચાના દરેક ટોનની સુંદરતાની કાળજી રાખવા અંગે એક નવીન સમાવેશક અભિગમ અપનાવશે.
તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં અમે ફેર એન્ડ લવલીના પેકેજિંગ પરથી ‘કાળા-ગોરાના ચહેરાની મહિલાવાળી’ તસવીર અને શેડ ગાઈડ્સ દૂર કરી દીધા હતા અને બ્રાન્ડની જાહેરાતોમાં ફેરનેસથી ગ્લો તરફ પ્રગતિનો સંદેશ આપવામાં આવે છે. તે સ્વસ્થ ત્વચા અંગે વધુ સમાવેશક વલણ અપનાવે છે. આ પરિવર્તનોને ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
ભારતમાં રંગભેદની નીતિ વિરુદ્ધ અભિયાન ચલાવતી ચેન્જ-ઓઆરજી સંસ્થાએ આ નિર્ણય બદલ હિન્દુસ્તાન યુનિલીવરનો અભાર માન્યો હતો. સંસ્થાએ કંપનીને તેના બ્રાન્ડિંગમાં પરિવર્તન લાવવા અથવા બ્રાન્ડને પડતી મુકવા સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter