‘ફોર્બ્સ’ના 100 મોસ્ટ પાવરફુલ વીમેનઃ યાદીમાં નિર્મલા સીતારામન્, ફાલ્ગુની નાયર સહિત છ ભારતીય

Saturday 17th December 2022 07:38 EST
 
 

ન્યૂ યોર્ક: ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન્, બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શો, નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયર, રોશની નાદર મલ્હોત્રા, માધવી પુરી બુચ, સોમા મંડલ એમ કુલ છ સન્નારીએ ‘ફોર્બ્સ’ના વિશ્વનાં 100 સૌથી પ્રભાવશાળી મહિલાની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
નિર્મલા સીતારામને વિશ્વનાં 100 પ્રભાવશાળી મહિલાની યાદીમાં સળંગ ચોથા વર્ષે સ્થાન મેળવ્યું છે. 2021માં તેઓ 37મા, 2020માં 41 તો 2019માં 34મા ક્રમે હતા. આ વૈશ્વિક યાદીમાં યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન ટોચના સ્થાને બિરાજે છે. તેમણે દૂરંદેશીભર્યા નેતૃત્વ દાખવતા યૂક્રેન-રશિયા યુદ્ધના છાંટા યુરોપ પર પડવા દીધા નથી અને યુરોપના હિતોનું રક્ષણ કર્યું છે.
આ યાદીમાં સ્થાન પામનારા અન્ય ભારતીય નામ જોઈએ તો 53મા ક્રમે એચસીએલ ટેકનોલોજીના રોશની નાદર મલ્હોત્રા, 54મા ક્રમે ‘સેબી’ના ચેરમેન માધવી પુરી બુચ અને 67મા ક્રમે સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેઇલ)ના ચેરપર્સન સોમા મંડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મલ્હોત્રા, મઝુમદાર શો અને નાયરે ગયા વર્ષે આ યાદીમાં સ્થાન મેળવ્યું હતું. તેઓ અનુક્રમે 52, 72 અને 88મા સ્થાન ધરાવતા હતા. આ વર્ષએ મઝુમદાર શો 72મા ક્રમે અને ફાલ્ગુની નાયર 89મા ક્રમે છે. આ યાદીમાં કુલ 39 સીઈઓ, 10 રાજ્યના વડા, 11 બિલિયોનેરનો સમાવેશ થાય છે, જેમની સંયુક્ત મૂલ્ય 115 બિલિયન ડોલર છે.
ફાલ્ગુની નાયરની જ પ્રોફાઈલ જોઈએ તો 59 વર્ષીય બિઝનેસ વુમને બે દાયકા સુધી ઈન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કર્યું હતું અને તેણે અન્ય ઉદ્યોગ સાહસિકોને તેમના સપનાં પૂરા કરવામાં મદદ કરી હતી. 2012માં તેમણે પોતાના માટે કામ કરવાનું નક્કી કર્યું હતું અને પોતાની બચતમાંથી 20 લાખ ડોલરનું રોકાણ કરીને બ્યુટી અને રિટેલ કંપની નાયકા લોન્ચ કરી હતી.
2021માં તેનો આઈપીઓ લાવીને તેઓ ભારતના સૌથી સમૃદ્ધ આત્મનિર્ભર મહિલા બન્યાં હતાં.
‘ફોર્બ્સ’ની યાદી મુજબ 41 વર્ષીય મલ્હોત્રા નાદર 12 બિલિયન ડોલરની એચસીએલ કંપની સંભાળે છે, જેની સ્થાપના તેના પિતા શિવ નાદરે કરી હતી. જ્યારે પહેલી માર્ચ 2022ના રોજ 56 વર્ષીય માધવી પુરી બુચ ‘સેબી’ના પહેલા મહિલા ચેરમેન છે, જેઓ હવે ભારતના ત્રણ ટ્રિલિયન ડોલરની સ્ટોક માર્કેટની ઈકોસિસ્ટમ પર ચાંપતી નજર રાખે છે.
59 વર્ષીય મંડલ સરકારી સ્ટીલ કંપની ‘સેઈલ’ના પ્રથમ મહિલા વડા છે. જાન્યુઆરી 2021ના રોજ તેમણે કાર્યભાર સંભાળ્યો અને કોરોનાના કપરા કાળ અને વૈશ્વિક આર્થિક કટોકટી વચ્ચે પણ કંપનીને પ્રગતિના પંથે દોરી ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter