નવી દિલ્હી: ‘ફોર્બ્સ’ મેગેઝિને એશિયાના ૨૦ બુદ્ધિશાળી લોકોની યાદીમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરની રહેવાસી શ્રુતિ પાંડેને સ્થાન આપ્યું છે. શ્રુતિ ભારતમાં ઓછા ખર્ચે ટકાઉ ઘર બનાવવા માટે જાણીતી છે. શ્રુતિ એક કંપનીનું પણ સંચાલન કરે છે. બિહારના પાટનગર પટણાની નજીક આવેલાં એક ગામમાં શ્રુતિને પરાળી અને ડાંગર ભૂસા જેવી લગભગ નક્કામી ચીજવસ્તુઓનો ઉપયોગ થી કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવી દીધી છે. ગોરખપુરની રહેવાસી શ્રુતિ પાંડે દેશના કેટલાય ભાગોમાં પોતાની કંપની થકી કામ કરી ચૂકી છે, અને આજે પણ કામ કરી રહી છે.
શ્રુતિએ ૨૦૧૪માં બુટિક કર્યા બાદ ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ‘ફોર્બ્સ’ની યાદીમાં સ્થાન મળ્યા બાદ બિહારનો આ પ્રોજેક્ટ માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ખૂબ ચર્ચામાં છે. શ્રુતિએ ગત વર્ષે ફક્ત ૮૦ દિવસોમાં પરાળી અને ડાંગરના ભૂસાથી કોવિડ-૧૯ના દર્દીઓ માટે ૫૦ બેડની હોસ્પિટલ ઉભી કરી દીધી હતી. આ હોસ્પિટલનું વીટેક્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.
નમૂનેદાર પ્રોજેક્ટ
શ્રુતિ પાંડે વિવિધ ધાન્યના પૂળા અને ભૂસાને કોમ્પ્રેસ્ડ કરીને એગ્રી ફાયબર પેનલ તૈયાર કરે છે, અને આમાંથી તે મકાનનું નિર્માણ કરે છે. આ મકાન ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે, અને તે પણ ઇકોફ્રેન્ડલી. બિહાર સહિત દેશના કેટલાય ભાગોમાં શ્રુતિની કંપની પોતાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. શ્રુતિની કંપની અનેકવિધ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કેટલાય રાજ્યોની સરકાર પણ શ્રુતિના પ્રોજેક્ટમાં રસ દાખવી રહી છે. શ્રુતિની કંપની ભોપાલમાં આ ટેકનિકથી કેલાક આંગણવાડી કેન્દ્ર તૈયાર કરી રહી છે. પટનામાં કોવિડ હોસ્પિટલનું નિર્માણ ૬૫૦૦ સ્કવેર ફૂટમાં થયું છે.