નવી દિલ્હીઃ ‘ફોર્બ્સ’ની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ભારતીય મૂળની ચાર મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 32મા સ્થાને છે. જ્યારે અન્ય ત્રણ ભારતીય મહિલાઓમાં એચસીએલ કોર્પોરેશનનાં સીઈઓ રોશની નાદર-મલ્હોત્રા (60મો ક્રમ), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનાં ચેરપર્સન સોમા મંડલ (70મો ક્રમ) અને બાયોકોનનાં ફાઉન્ડર કિરણ મઝુમદાર-શો (76મો ક્રમ)નો સમાવેશ થાય છે. આ યાદીમાં નિર્મલા સીતારમણે સતત પાંચમી વખત સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે તેઓ આ યાદીમાં 36મા ક્રમે હતાં.
યુરોપિયન કમિશન (ઇસી)નાં વડાં ઉર્સુલા વોન ડેર લેયેન આ યાદીમાં ટોચ પર છે. તેમના પછી યુરોપિયન સેન્ટ્રલ બેંકનાં વડા ક્રિસ્ટીન લેગાર્ડ બીજા સ્થાને અને અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસ ત્રીજા સ્થાને છે. દર વર્ષે અમેરિકન બિઝનેસ મેગેઝિન વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડે છે. ‘ફોર્બ્સ’ની આ યાદી પૈસા, મીડિયા, પ્રભાવ અને પ્રભાવના ક્ષેત્રના આધારે નક્કી કરવામાં આવે છે. રાજકીય નેતાઓ માટે, મેગેઝિને જીડીપી અને વસ્તીને માપદંડો તરીકે લીધા છે, જ્યારે કોર્પોરેટ નેતાઓ માટે તેણે આવક, મૂલ્યાંકન અને કર્મચારીઓની સંખ્યા ધ્યાને લીધી છે.
64 વર્ષીય નાણાંપ્રધાન સીતારામણ ઈન્દિરા ગાંધી પછી ભારતના બીજાં મહિલા નાણાંપ્રધાન બન્યાં છે. નાણાં મંત્રાલય પહેલા તેઓ દેશનું સંરક્ષણ મંત્રાલય સંભાળતાં હતાં. એચસીએલના ચેરપર્સન રોશની નાદર-મલ્હોત્રા બિલિયોનેર બિઝનેસપર્સન છે. તેઓ એચસીએલના સ્થાપક શિવ નાદરના એકમાત્ર સંતાન છે.
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એસએઆઇએલ - ‘સેઇલ’)નાં વર્તમાન અધ્યક્ષ સોમા મંડલ જાન્યુઆરી 2021થી આ પદ સંભાળી રહ્યાં છે. સરકારી માલિકીની ‘સેઇલ’ની અધ્યક્ષતા કરનાર તેઓ પ્રથમ મહિલા છે. જ્યારે કિરણ મઝુમદાર-શો દેશનાં અગ્રણી ભારતીય બિલિયોનેર ઉદ્યોગસાહસિક છે. શોએ ભારતમાં બાયોકોન લિમિટેડ અને બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડની સ્થાપના કરી છે.