વડોદરા: સંસ્કારનગરી તરીકેની ઓળખ ધરાવતા વડોદરાની 25 વર્ષીય ક્ષમાબિંદુએ એક વર્ષ પહેલાં સોલોગામી મેરેજ (પોતાની જાત સાથે જ લગ્ન) કરવાની જાહેરાત કરતાં જ ભારે હોબાળો થઇ ગયો હતો. વિરોધનો વંટોળ એટલો તીવ્ર હતો કે જે મંદિરમાં તે લગ્ન કરવાની હતી તેના પૂજારીએ પણ લગ્નવિધિ કરાવવાની ના પાડી દીધી હતી. જોકે ક્ષમાબિંદુએ સંજોગો સામે શરણાગતિ ના સ્વીકારી અને તેણે અન્ય સ્થળે સોલોગામી લગ્ન કરી લીધાં હતાં, જેને 8 જૂને એક વર્ષ પૂરું થયું છે. ગયા ગુરુવારે લગ્નની પહેલી એનિવર્સરી ઉજવનાર ક્ષમાબિંદુ લગ્ન કર્યાં ત્યારથી રોજ સિંદૂર લગાવે છે. પબમાં પણ સિંદૂર લગાવીને જાય છે અને સલામતી અનુભવે છે. આજે દિલ્હીમાં જોબ કરતી ક્ષમાબિંદુએ સોલોગામી લગ્નના એક વર્ષના અનુભવો એક અખબાર સાથેની વાતચીતમાં રજૂ કર્યા હતા, જેના અંશો અહીં રજૂ કર્યા છે.
લગ્નના એક વર્ષની યાત્રાને કેવી રીતે વર્ણવશો? તેવા સવાલના જવાબમાં ક્ષમાબિંદુ કહે છે કે મેં જાતને ક્યારેય બાંધી નથી. એક વર્ષમાં ઘણું બધું સારું થયું છે. હું આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરું છું અને મારી જાત સાથે વધુ સમય પસાર કરું છું. મારા સપનાનું જીવન જીવું છું.
તમારી જાતને ક્યારેય છૂટાછેડા આપશો કે કેમ તેવા સવાલ સંદર્ભે તે કહે છે કે છોકરા સાથે લગ્ન કર્યાં હોત અને સાથે ન રહી શકી હોત તો? જાતને કેવી રીતે છૂટાછેડા આપું? તકલીફ પડશે તો પણ જાતને નહીં છોડી શકું, છૂટાછેડાની વાત નથી. જાતને પ્રેમ કરતા રહેવાનું છે.
સોશિયલ મીડિયા પર તેને મળી રહેલા પ્રતિસાદ અંગે ક્ષમાબિંદુનું કહેવું છે કે લગ્ન બાદ ફોલોઅર્સ વધ-ઘટ થતા રહે છે. કેટલાક વ્યથા જણાવીને કહે છે કે હું તેમના માટે એક ઉદાહરણરૂપ છું. જોકે કેટલાક ખરાબ ટીપ્પણી પણ કરે છે.
લગ્ન બાદ પ્રખ્યાત બન્યા પછી સર્જાયેલા પડકાર અંગે તેનું કહેવું હતું કે મારા લગ્નની વાત બહાર આવી ત્યારે મીડિયાએ ઇન્ટર્વ્યૂ લીધા. ઘણાએ મને તેમની સમસ્યા જણાવી, જેથી મેં નક્કી કર્યું કે જેટલું બને તેટલું સોલોગામી પર વાત કરીશ. જોકે કોઈ કહે કે તમારી સાથે ફોટો લેવો છે ત્યારે જરૂર સંકોચ અનુભવું છું.
લગ્ન ક્યા બાદના એક વર્ષમાં કોઈ મુશ્કેલી પડી કે કેમ તે સવાલ અંગે ક્ષમાબિંદુ કહે છે કે ના... હું હંમેશાં સિંદૂર લગાવું છું, એક વર્ષમાં છેડતીનો અનુભવ નથી કર્યો. ઘર માટે મળવા જાઉં તો લોકો સવાલ પૂછતા કે તમારા પતિ ક્યાં છે? શું કરે છે? ત્યારે હું કહું છું કે તે નથી. ત્યારે પૂછતાં કે શું તમે જાત સાથે લગ્ન કર્યાં છે? લોકો ગૂસપૂસ કરતા રહે છે, પણ મને તેનાથી કોઇ ફરક નથી પડતો.
બાળકને દત્તક લેવા અંગે તેનું કહેવું છે કે આ માટે હું તૈયાર નથી. ઘણા દંપતી આર્થિક-માનસિક તૈયાર ન હોવા છતાં બાળકને જન્મ આપે છે. હમણાં તો સાંજે શું જમવાની છું તે પણ મારું નક્કી નથી હોતું, બાળક તો દૂરની વાત છે.
લગ્નના મામલે પરિવારનો સહકાર કેવો રહ્યો તેવા સવાલ અંગે ક્ષમાબિંદુ કહે છે કે મારાં લગ્નની વાતથી માતા ખુશ હતી. તેઓએ કહ્યું કે બની શકે કે તું બીજા સાથે ખુશ ન રહે. હું લગ્ન કર્યા બાદ પહેલી વાર ઘરે ગઈ તો માતાએ પગની આંગળીઓમાં પહેરવાની વિંટી (માછલી) આપી હતી.
પોતાની જાતને આજથી 50 વર્ષ પછી ક્યાં જુઓ છો? એમ પૂછતાં જ તેણે કહ્યું હતું કે મને ફરવાનો બહુ શોખ છે. હું 80 વર્ષની વયે પણ ગોવાના બીચ પર બેઠી હોઈશ અને ફરવાના પ્લાન બનાવતી હોઈશ. હવે પરિવાર માટે ઘર લેવું છે.