‘સમાજસેવાનો સંકલ્પ’ સાસુમાનો વારસો: રેણુ મહેતા

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Wednesday 30th December 2020 04:54 EST
 
 

લંડનના નવનાત ભગિની સમાજના પ્રેસિડેન્ટનો હોદ્દો છેલ્લા પાંચેક વર્ષથી શોભાવી રહેલ રેણુકાબહેન મહેતાનો પરિચય નવા વર્ષના અંકમાં કરાવીશ. સુદાનના એક નાના ગામ કસાલામાં જન્મેલ રેણુકાબહેન બાવીસી નાનપણથી જ ભણવામાં તેજસ્વી. ગણિત એમનો પ્રિય વિષય. એમનો મોટો ભાઇ મુંબઇની સુવિખ્યાત હાઇસ્કુલમાં ભણતો હતો એથી એમના મનનો મોરલો પણ નાચી ઉઠ્યો કે મને પણ મુંબઇ જઇ ઉચ્ચ અભ્યાસ કરવા મળશે. પરંતુ મનની મનમાં રહી ગઇ. સમય – સંજોગો બળવાન છે.
૧૯૭૯માં મોમ્બાસા, કેન્યામાં રહેતા યુવક ભરત મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. રેણુકા બાવીસી હવે રેણુ મહેતા બન્યાં. સાસરીમાં સમગ્ર કુટુંબ સમાજસેવામાં પ્રવૃત્ત અને ખાસ કરીને સાસુ પૂ. રસિકાબેન મહેતા સૌથી મોખરે. મોમ્બાસાના ભગિની ઉત્કર્ષ કેન્દ્રના સ્થાપક અને સતત ૨૨ વર્ષ સુધી પ્રમુખપદ શોભાવ્યું. સમાજમાં બહેનોને સમાન દરજ્જો મળે અને પોતાના અરમાનો કે શોખને પ્રાધાન્ય મળે એના એ હિમાયતી. ઉત્સાહી પણ ભારે. પોતાની પુત્રવધૂનો ગૃહ પ્રવેશ પગમાં સોનાની ઝાંઝરી પહેરાવી કર્યો હતો. રૂમઝૂમ પગલે વહુને આવકારી દિકરીનું સ્થાન આપ્યું. સાસુના રંગે રેણુબેન પણ સમાજસેવામાં સક્રિય બન્યાં. આઠેક વર્ષ સાસુ સાથે ઘડાયાં. એમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થયો એથી જીવનની દિશા બદલાઇ.
૧૯૮૭માં પતિ સાથે લંડન સ્થાયી થવાનો નિર્ણય લેવાયો. નાના દિકરાનો જન્મ લંડનમાં થયો. દિકરાઓ મોટા થતા ગયા. બન્ને ગ્રેજ્યુએટ થઇ ગયા એથી ફરી પાછો સમાજમાં સેવા કરવા માટેની સાનુકૂળતા ઉભી થઇ. ૨૦૧૧માં નવનાત ભગિની સમાજના સભ્ય બની પ્રવૃત્ત થયાં.
હાલ ભગિની સમાજના પ્રમુખ ઉપરાંત જૈન સોસીયલ ગૃપમાં પણ સેક્રેટરી અને વણિક કાઉન્સિલની કમિટીના સભ્ય તરીકે પોતાનો ફાળો આપી રહ્યાં છે.
મૂળ વાંકાનેરના વતની હોવાને નાતે ત્યાંની એન.આર.દોશી આઇ હોસ્પીટલમાં તથા સ્થાનિક સ્કુલ પ્રોજેક્ટમાં ય એમના કુટુંબનું નોંધનીય અનુદાન રહ્યું છે. હાલ રાજકોટમાં "પ્રોજેક્ટ લાઇફ વુમન એમ્પાવરમેન્ટ" ચેરિટીના લાભાર્થે "લાઇફ ગ્લોબલ યુ.કે" અને "નવનાત ભગિની"ના સંયુક્ત ઉપક્રમે ઉમદા સહાય કરી અણમોલ પ્રદાન આપી રહ્યાં છે.
હાલ કોવીદ-૧૯ મહામારીને લક્ષમાં લઇ, નવનાત વણિક સમાજ, નવનાત ભગિની અને નવનાત વડિલ મંડળે ઝૂમના માધ્યમથી સમાજના સભ્યોની સુખાકારી માટે અવનવા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં યોગા, મેડીટેશન, લાફીંગ થેરાપી, સંગીત, કુકીંગ ક્લાસીસ, ડેકોરેશન આદી વિવિધ પ્રોગ્રામો ઘડી પેનેડેમીકના કપરાં સમયમાં સૌનું મનોરંજન થાય, ડીપ્રેશન કે એકલતા ટાળી શકાય તથા સૌ એકબીજાના સંપર્કમાં રહી પોતાનું આરોગ્ય જાળવી શકે તેમજ એમનામાં રહેલ કૌશલ્ય બહાર લાવી શકે એ માટે પ્રયત્નશીલ છે. સામાજિક, ધાર્મિક કાર્યો કુટુંબના સહકાર વિના શક્ય હોતા નથી એ ન્યાયે એમના પતિશ્રી ભરતભાઇનો સહકાર અનન્ય છે અને તેઓ પણ નવનાત, જૈન નેટવર્કમાં સક્રિય છે. રેણુબહેને જણાવ્યું કે સમાજમાં સક્રિય રહેવાથી જે આનંદ અને સંતોષ મળે છે એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. સમાજસેવા સાથે હું દાદી પણ છું એથી મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને રમાડવાનો લ્હાવો પણ લઇ રહી છું.
ઇશ્વરદત્ત મોંઘેરો માનવભવ આપણને મળ્યો છે એને સાર્થક કરી સમાજનું ઋણ અદા કરવાની મારી ફરજ સમજું છું. મારી આ વાત સાથે ગુજરાત સમાચારના સૌ વાચકો પણ સહમત થશે જ અને પોતાની મનગમતી પ્રવૃત્તિમાં જોડાઇ જીવનની એક એક ક્ષણને ઉપયોગી બનાવે એવી ઇસુના નવા વર્ષ માટે શુભેચ્છા. ૨૦૨૦નું વર્ષ આપણા માટે પીડાદાયી રહ્યું હોવાછતાં મુશ્કેલીમાં જીવન જીવવાના કેટલાક અગત્યના સંદેશા પણ આપતું ગયું. પેનેડેમીકમાં પેનીક થવાને બદલે સમજપૂર્વક એમાંથી રસ્તો કાઢી સમયને અનુકૂળ બનવું. નવી ઉમંગો અને આશા સાથે નવું વર્ષ આપણા સૌના જીવનમાં શુભદાયી નીવડે એવી પ્રાર્થના.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter