એક સ્ત્રીનું દૂરંદેશીપણું - એની વિચારધારા-સમાજમાં બદલાવ લાવવાની કુશળતા ધરાવતાં, માત્ર ચાર ચોપડી જ ભણેલ હરકુંવર શેઠાણી ઇતિહાસનું એક પ્રેરક પાત્ર છે. એમનું વ્યક્તિત્વ અનોખું હતું. જૈન ધર્મનું એમનું જ્ઞાન અદ્ભૂત હતું.
વિ.સં.૧૮૧૧, ૧૯મી સદીમાં શેઠ હઠીસીંગના લગ્ન અમદાવાદના નગરશેઠ હેમાભાઇની સુપુત્રી રૂક્ષ્મણી બહેન સાથે ધામધૂમથી થયાં હતાં. રૂક્ષ્મણી બહેનને આંખની તકલીફ થતાં તેમણે આંખની રોશની ગુમાવી. તેમને કોઇ વારસદાર ન હતું એથી શેઠના બીજા લગ્ન હેમાભાઇની બીજી પુત્રી પરસનબાઇ સાથે થયાં. ટૂંક સમયમાં તેમનું અવસાન થયું.
શેઠ હઠીસીંગ એક વખત ઘોઘાની યાત્રાએ નીકળ્યા હતા. ઘોઘાના દેરાસરમાંથી બહાર નીકળતા, શેઠના મુનીમની નજર છાણાં થાપતી એક કિશોરીના પગ પર પડી. એના પગમાં પદ્મનું ચિહ્ન જોયું. જે સૌભાગ્યની નિશાની મનાય.
બાર વર્ષની એ કન્યા સાથે શેઠ હઠીસીંગના લગ્ન થયાં. નાની વયમાં નવતત્વ, જીવીચાર જેવા જૈન સૂત્રોનું, સિધ્ધાંતોનું અને માગધી ભાષાનું જ્ઞાન ધરાવતાં હતાં. એમની યાદ શક્તિ તીવ્ર હતી. ગુણોના ભંડાર સમા હરકુંવર શેઠાણી દેખાવમાં ખૂબ જ સુંદર, વિશાળ આંખો, લાંબા વાળ, ઊંચી કાયા, મધુર વાણી. (હું અમદાવાદના હઠીસીંગ દેરાસરની મુલાકાતે ગઇ અને હરકુંવર શેઠાણીનો ફોટો ત્યાં જોયો એ જોઇ મંત્ર મુગ્ધ થઇ ગઇ. )
હરકુંવર શેઠાણીએ લગ્ન કરી ગૃહ પ્રવેશ કરતાં જ સૌના મન જીતી લીધાં. પતિ સાથે વ્યાપારમાં પણ રસ લેતાં જોતજોતામાં ધંધામાં ય પાવરધાં બની ગયાં.
હઠીસીંગ શેઠ ખૂબ જ ઉદાર દિલના હતા. ગરીબોને મદદ કરવા સાથે અનેક દાનના ક્ષેત્રોમાં અનુદાન નોંધાવતા. શત્રુંજય તીર્થ પર ભગવાન ધર્મનાથનું દેરાસર બંધાવ્યું. અમદાવાદમાં પ્રથમ અંગ્રેજી શાળાની શરુઆત કરેલી. માત્ર ૪૯ વર્ષની વયે તેઓ સ્વર્ગે સિધાવતાં શેઠાણીના માથે બધી જવાબદારી આવી ગઇ. હિંતવાન એ નારી પણ નિ:સંતાન હોવાથી પિતરાઇ ભાઇના પુત્રો જેસંગભાઇ અને મગનભાઇને દત્તક લીધેલા. "જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે"
એ જમાનામાં માથુ મૂંડાવી વિધવાએ ચાર દિવાલોમાં જીવન વીતાવવા જેવા સમાજના રિવાજોના બંધન તોડી ૨૬ વર્ષના હરકુંવર શેઠાણીએ શેઠના ધંધાની ધૂરા સંભાળી અઢળક કમાણી કરી. કેટલીય વિધવાઓના નાના બાળકોને ઉચ્ચ જ્ઞાન આપી તેમનું ભવિષ્ય બનાવ્યું. શેઠ હઠીસીંગનું સ્વપ્ન અમદાવાદમાં અદ્ભૂત જીનાલય બનાવવાનું હતું. એ સાકાર કરવા શેઠાણીએ કારીગરો, એન્જીનીયરો વગેરે સાથે વાટાઘાટો કરી અદ્ભૂત દેરાસર હઠીસીંગના નામે બંધાવ્યું. જેની ગણના આજે વર્લ્ડ હેરીટેજમાં થાય છે. તેમણે કેટલાય દેરાસરોના જીર્ણોધ્ધાર કરાવ્યા. ઉપાશ્રયો બંધાવ્યા. પાઠશાળા બંધાવી.
ધર્મ કાર્ય સાથે જ શેઠાણીએ સમાજ કલ્યાણના કાર્યો પણ કર્યા. અમદાવાદની સીવીલ હોસ્પીટલ હરકુંવર શેઠાણીની દેન છે. જેનો લાભ હજારો ગરીબોને મળી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પ્રોવીન્શીયલ કોલેજની સ્થાપના કરી સારૂં એવું દાન કર્યું. સ્ત્રી શિક્ષણની જરૂરિયાત સમજી "છોડીઓની શાળા"ની સ્થાપના કરી. વર્નાક્યુલર સોસાયટીમાં હરકુંવર શેઠાણી સક્રિય બની દલપતરામ, ફાર્બ્સ,ગાંધીજી સાથે જોડાઇ કન્યા શિક્ષણ માટે પોતાનો અવાજ રજુ કર્યો. હરકુંવર શૈઠાણીએ સ્ત્રી શિક્ષિકાઓને ટ્રેઇન્ડ કરવા ટીચર્સ ટ્રેઇનીંગ સ્કુલ શરૂ કરી. સમાજમાં બાળ વિધવાઓને માન-સમ્માન અપાવ્યું.
હરકુંવર શેઠાણીને શિક્ષણ અને સમાજ સુધારામાં જજ અરદેશજીના પત્ની આલીબહેન, મગનભાઇના પુત્રી સમરથ બહેન, ડેપ્યુટી મેજીસ્ટ્રેટ જગજીવનદાસજી પત્ની રૂક્ષ્મણી બહેન, લેડી બચુભાઇ પેસ્તમજી જેવી વકિલ સ્ત્રીઓ અને કેટલીક અંગ્રેજ મહિલાઓનો સાથ-સહકાર મળ્યો. ઓછું ભણેલા હોવા છતાં સમાજ પરિવર્તનમાં તેમનો ફાળો અવર્ણનીય છે.
મૃત્યુ પછી રડવા-કૂટવાના ને જમણવારના કુરિવાજ સામે અવાજ ઉઠાવ્યો. ઇ.સ. ૧૮૬૬માં દુકાળ પડ્યો ત્યારે હરકુંવર શેઠાણીએ હજારો મણ અનાજની ખરીદી કરી ગરીબો માટે સસ્તા અનાજની દુકાનો ખુલ્લી મૂકી. ૧૮૬૮ અને ૧૮૭૫ના વિનાશક પૂર વખતે પીડિતોને સહાય કરી લોકોને ઉગારી લીધાં. ખોટી લતે ચડી ગયેલ રવચંદની જીંદગી સુધારી.
જુદા-જુદા ક્ષેત્રોમાં હરકુંવર શેઠાણીએ કરેલ દાનની સુવાસ છેક ઇંગ્લેન્ડ સુધી પહોંચી. પરિણામે મુંબઇ સરકારે રાણી વિક્ટોરીયા વતી ૧૮૫૬ની ૧૨મી જુને સોનાનો ગોલ્ડ મેડલ જેના પર લખેલું "નેક નામદાર સખાવતે બહાદૂર" એવોર્ડ બેન્ડવાજાં સાથે અર્પણ કર્યો.
અનેકોના જીવનના ઉધ્ધારક એવા નારી રત્ન હરકુંવર શેઠાણીએ ૧૯૩૨માં, આસો સુદ ત્રીજના શુક્રવારે સ્વર્ગવાસી થયાં.
સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ, હિંમતબાજ, પ્રેમાળ નારીને યુગો સુધી લોકો યાદ કરશે.