લંડનઃ મેનિન્જાઈટિસને લીધે બીમાર પડ્યાના ૪૮ કલાકથી પણ ઓછા સમયમાં મૃત્યુ પામેલી ૨૦ વર્ષીય પાવનના પેરન્ટસ જસ અને બલદેવ પૂર્બા યુવાનોને તાત્કાલિક Men ACQY વેક્સિન લેવા અનુરોધ કરી રહ્યા છે ગયા વર્ષે બનેલી આ ઘટનાએ તેમને આ રોગ વિશે લોકોમાં જાગૃતિ કેળવવા પ્રેરણા પૂરી પાડી હતી. ૨૦૧૫થી ટીનેજર્સ અને યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને તેની વેક્સિન મફત આપવામાં આવે છે. પાવને આ વેક્સિન લીધી ન હતી.
તેની માતાએ જણાવ્યું હતું કે ગયા ઓગસ્ટમાં તે અચાનક બીમાર પડી ત્યારે યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનમાં તેનો ફાર્મેકોલોજી ડિગ્રીનો બીજા વર્ષનો અભ્યાસ શરૂ થવાનો હતો. પહેલા તો તેની બીમારીના લક્ષણો માત્ર ફ્લૂના જણાતા હતા. આ રોગના લક્ષણો દેખાયા તેના ૪૮ કલાકથી પણ ઓછા સમયમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. બીજા પરિવારમાં પણ આવી ઘટના ન બને તે માટે તેઓ લોકોને સમજાવી રહ્યા છે.
મેનિન્ગોકોકલ રોગોના જીવલેણ પ્રકારો પૈકીના MenWને લીધે દર્દીના મગજને નુક્સાન સહિત જીવનભરની વિકલાંગતા આવી શકે છે. માથાનો દુઃખાવો, તાવ, હાથપગ ઠંડા પડી જવા આ બધા તેના પ્રાથમિક લક્ષણો છે.