લંડનઃ ઘણી વખત આફત પણ આશીર્વાદ સમાન નીવડે છે. આતંકવાદના ભય અને નબળા પાઉન્ડના કારણે વિક્રમજનક ૭.૩ મિલિયન બ્રિટિશરોએ વેકેશન ગાળવા વિદેશ જવાનું ટાળી ‘સ્ટેકેશન’ને પસંદ કર્યું છે. આના પરિણામે યુકે ટુરિઝમને ભારે પ્રોત્સાહન મળ્યું છે અને નોર્ફોક અને યોર્કશાયર સહિત દેશમાં જ પ્રવાસન બુકિંગમાં ૨૫ ટકાનો વધારો જણાયો છે. તુર્કી જનારા બ્રિટિશરોની સંખ્યા ગત વર્ષની સરખામણીએ ૨૮ ટકા ઘટી છે.
યુકેની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર ત્રાસવાદી હુમલાઓના ભય અને પાઉન્ડની ઘટેલી કિંમતના કારણે લાખો બ્રિટિશરોએ ઉનાળા વેકેશન માટે વિદેશ જવાનું ટાળી દેશમાં જ રજાઓ માણવાનું પસંદ કર્યું છે. ઈજિપ્ત, તુર્કી, બ્રસેલ્સ અને પેરિસમાં તાજેતરના ત્રાસવાદી હુમલાઓ પછી બુકિંગ્સમાં ભારે ઘટાડો થયો છે. સ્ટેકેશન્સમાં ભારે વૃદ્ધિથી બ્રિટિશ અર્થતંત્રને પણ આવકારજનક ઉત્તેજન મળશે. પ્રવાસન બુકિંગમાં ૨૫ ટકાનો વધારો જણાયો છે અને બીજા દેશોમાંથી પણ પૂછપરછ આવી રહી છે. સત્તાવાર ટુરિસ્ટ બોર્ડ વિઝિટ ઈંગ્લેન્ડના જણાવ્યા અનુસાર આ વર્ષના આરંભથી ૧૦ ટકા વધુ લોકોએ ગત વર્ષની સરખામણીએ બ્રિટનમાં જ રજાઓ ગાળવાનું પસંદ કર્યું છે.
ઈયુ રેફરન્ડમ પછી પાઉન્ડની કિંમતમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થવાથી ઈયુ દેશોમાં પ્રવાસરજાઓ માણવાનો વિકલ્પ ચાર વ્યક્તિના પરિવાર માટે ૨૪૫ પાઉન્ડ મોંઘો થયો છે. પરિવારો તેમની નેટ ઈન્કમના ૨૦ ટકા રકમ રજાઓ ગાળવામાં વાપરે છે. બીજી તરફ, પેરિસ અને બ્રસેલ્સમાં હુમલાઓ પછી યુરોસ્ટારનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં ૧૦૦,૦૦૦નો ઘટાડો થયો છે. એસોસિયેશન ઓફ બ્રિટિશ ટ્રાવેલ એજન્ટ્સના ડેટા અનુસાર મેડિટેરિયન સૌથી લોકપ્રિય વિસ્તાર રહ્યો છે, જ્યારે પોર્ટુગલ અને સ્પેન જનારા લોકોની સંખ્યા પણ વધી છે.