લંડનઃ યુરોપના ૬૦ શહેરમાં વેસ્ટ વોટર (યુરિન)ના કરાયેલા સેમ્પલ સર્વેમાં આંચકાજનક પરિણામ એ હતું કે લંડનના લોકોના યુરિનમાં નશાકારક કોકેઈનનું સૌથી વધુ પ્રમાણ હતું. આમ, લંડન યુરોપની કોકેઈન કેપિટલ બની છે. આ સર્વેમાં લંડનમાં પ્રતિ ૧,૦૦૦ વ્યક્તિએ ૯૦૯mgનું પ્રમાણ જણાયું હતું, જે ૨૦૧૪માં ૭૩૭mg હતું. બીજા ક્રમે આવેલા એમસ્ટર્ડેમમાં આ પ્રમાણ ૬૪૨mg હતું. બંધાણીઓમાં એક્સ્ટસી (Ecstasy)નો શોખ ફરી વધી રહ્યો છે. જોકે, સૌથી વધુ મોત હેરોઈનના કારણે નીપજ્યાં હતાં.
ઈયુની ડ્રગ્સ મોનિટરિંગ એજન્સી દ્વારા વેસ્ટ વોટરનું પરીક્ષણ ક્લાસ એ સ્ટિમ્યુલન્ટની હાજરી માટે કરાયું હતું, જે ડ્રગ્સ લેનારા લોકોના યુરિનમાં મળી આવે છે. વસ્તી આધારિત એનાલિસીસમાં જણાયું હતું કે લંડનવાસીઓ પાર્ટી ડ્રગ એક્સ્ટસીનો પણ સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ ડ્રગ હવે ઊચ્ચ સ્તરમાં મર્યાદિત ન રહેતા સમાજના મુખ્ય પ્રવાહમાં પણ ઉપયોગમાં લેવાતી થઈ છે.
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે યુરોપમાં ડ્રગ્સના કારણે દર વર્ષે ૬,૮૦૦ જેટલાં મોત થાય છે, જેમાંથી યુકેનો હિસ્સો ૨,૩૩૨નો એટલે કે ત્રીજા ભાગનો છે. આવા મોટા ભાગના મોત હેરોઈનના કારણે થયાં હતાં.