લંડનના મેયર બોરિસ જ્હોન્સને કેનારી વ્હાર્ફ્સમાં નવી હેલ્થકેર બ્રાન્ડ લાયકાહેલ્થના પ્રથમ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. હેલ્થકેર સેન્ટર દ્વારા સ્થાનિક અને પ્રોફેશનલ વસ્તી માટે સર્વગ્રાહી, મલ્ટિસ્પેશિયાલિટી કન્સલ્ટેશન્સ, ડાયગ્નોસ્ટિક્સ, સારવાર અને સ્વાસ્થ્ય સેવાઓ ઓફર કરાશે. લાયકાહેલ્થના નિષ્ણાતો પેશન્ટ્સને તપાસશે અને તેઓ મલ્ટિ રેઝોનન્સ ઈમેજિંગ સ્કેનર્સ, કોમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી, અલ્ટ્રાસાઉન્ડ સ્કેનર્સ અને ડિજિટલ એક્સ-રે સહિતના ઉપકરણોની સુવિધા મેળવી શકશે. કેર ક્વોલિટી કમિશન દ્વારા અધિકૃત લાયકાહેલ્થને મુખ્ય હેલ્થકેર ઈન્સ્યુરન્સ કંપનીઓની માન્યતા મળી છે. આગામી પાંચ વર્ષમાં યુકે, સાઉથ એશિયા અને આખરે આફ્રિકામાં પણ આવા સેન્ટર્સ સ્થાપવાનું આયોજન છે. લાયકાહેલ્થના સીઈઓ ડો. મનપ્રીત ગુલાટી હેલ્થકેર સેક્ટરમાં પેશન્ટ્સને આધુનિક, સ્ટાઈલિશ અને આવકારદાયક વાતાવરણ સહિત ઉચ્ચ ગુણવત્તાના ગ્રાહક અનુભવને સ્થાન આપવાનું ધ્યેય ધરાવે છે.
વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય મોબાઈલ વર્ચ્યુઅલ નેટવર્ક ઓપરેટર લાયકા ગ્રૂપના ચેરમેન સુભાષકરણ અલીરાજાહે લાયકાહેલ્થના લોન્ચિંગ વિશે જણાવ્યું હતું કે,‘આ સેન્ટર કેનારી વ્હાર્ફ્સ અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત પ્રોફેશનલ્સ માટે અત્યંત આકર્ષક સુવિધા છે.’ લાયકાહેલ્થના ચેરપર્સન પ્રેમા સુભાષકરણ વિકાસશીલ દેશોના લોકોને તબીબી સંભાળમાં મદદરૂપ બનવાની ઉત્કટ ભાવના ધરાવતાં એન્ટ્રેપ્રીન્યોર છે અને જ્ઞાનમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે.