સામગ્રીઃ અડદનો લોટ - ૧ કપ • ઘી - ૧ કપ • ખાંડ - પોણો કપ • સૂંઠ પાઉડર - ૧ ચમચી • ગંઠોડાનો પાઉડર - ૧ ચમચી • ઇલાયચીનો પાઉડર - ૧ ચમચી • જાયફળનો ભૂકો - ૧ ચમચી • સૂકા મેવાની કતરણ - ૪ ચમચી
રીતઃ અડદના લોટમાં ત્રણ ચમચી દૂધ અને બે ચમચી ઘી ઉમેરીને ધાબો આપો. લોટને સારી રીતે મિક્સ કરીને ચાળી લો, જેથી તેમાં ગાંઠા પડ્યા હોય તો તે નીકળી જાય. હવે એક કડાઈમાં ચાળેલા લોટને મધ્યમ આંચે શેકી લો. તેને સતત હલાવતાં રહો જેથી ચોંટે નહીં. લોટ આછા બદામી રંગનો થાય એટલે ગેસ પરથી ઉતારી લો. બીજી તપેલીમાં ખાંડ લો અને તેમાં ખાંડ ડૂબે એટલું પાણી રેડીને ગરમ કરો. તેની બે તારી ચાસણી બનાવો. ચાસણી તૈયાર થાય એટલે તેમાં લોટ નાંખી સારી રીતે મિક્સ કરો. સૂંઠ, ગંઠોડાનો પાઉડર, ઇલાયચી અને જાયફળનો ભૂકો ભેળવીને થોડો સૂકો મેવો પણ ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરીને ઘી લગાવેલી થાળીમાં મિશ્રણને પાથરો. તેના પર સૂકો મેવાની કતરણ ભભરાવીને હળવા હાથે દાબી દો. મનગમતા આકારમાં ટુકડા કાપીને એરટાઈટ કન્ટેનરમાં ભરી દો.