ઇન્ડીગો નમકીનનું લંડનમાં શુભાગમન

Tuesday 19th December 2017 09:28 EST
 
 

બ્રિટનનું મીની ગુજરાત એટલે લેસ્ટર. અહીં તમને પરંપરાગત શુધ્ધ ગુજરાતી વાનગીઓનો રસાસ્વાદ કરાવતી રેસ્ટોરન્ટો જોવા મળે છે જેમાંની એક છે "ઇન્ડીગો રેસ્ટોરન્ટ". લેસ્ટર, લંડન અને આજુબાજુના વિસ્તારોમાં વસતા એશિયનોનું આ મનપસંદ સ્થળ ગણાય છે. “ઇન્ડીગો" રેસ્ટોરન્ટની શરૂઆત કેવી રીતે અને કયારે થઇ એ જાણવા જેવું છે. “ઇન્ડીગો" રેસ્ટોરન્ટના પ્રણેતા જગદીશભાઇ ઘેલાણી સાથે થયેલી વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે લેસ્ટરમાં 'ઇન્ડીગો" રેસ્ટોરન્ટે ભારે લોકચાહના મેળવ્યા બાદ હવે ઇસ્ટ લંડનના ગેન્ટ્સ હીલ સ્ટેશન નજીક Sevenway Parade, Woodford Ave, Gents Hill, IG2 6JX ઉપર જાત જાતની વાનગીઓ, ચટપટા ફરસાણ અને મિષ્ટાનનો રસથાળ લઇ આવી ગયા છે.

જગદીશભાઇએ જણાવ્યું કે, "લેસ્ટરના એક જૂના-પુરાણા પબમાંથી ૧૯૯૯ના ઓકટોબરમાં “ઇન્ડીગો" રેસ્ટોરન્ટની શરૂઆત થઇ હતી. તદન રનડાઉન પબની જગ્યા ખરીદી વેજીટેરીયન રેસ્ટોરન્ટ શરૂ કરી. એ વખતે કોઇ જાતનો આઇડિયા નહિ કે કેવું મેનુ રાખવું. આ દરમિયાન મારે ઇન્ડિયા જવાનું થતું. મુંબઇ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં ઇન્ડો ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન વાનગીઓનો ક્રેઝ લોકોમાં જોવા મળ્યો. લેસ્ટરમાં એ વખતે આવી કોઇ રેસ્ટોરન્ટ ન હતી એટલે અમે ઇન્ડો ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનનો કોન્સેપ્ટ અપનાવ્યો. અમારી વાનગીઅોનું સ્ટાન્ડર્ડ લોકોએ ઉમંગભેર આવકાર્યું અને જોત જોતામાં "ઇન્ડીગો"ની લોકચાહના વધવા લાગી.

"અમારી લોકપ્રિયતા જોઇ લંડનમાં એક બ્રુઅરીએ જગ્યા ઓફર કરતાં ૨૦૦૧માં અમે પાર્ક રોયલ ખાતે "ઇન્ડીગો" રેસ્ટોરન્ટની શરૂઆત કરી. એ વખતે ઇન્ડિયાથી ૧૨ જેટલા શેફનો સ્ટાફ લંડન લઇ આવેલા. ત્યાં ખૂબ સરસ લોકઆવકાર મળ્યો પરંતુ વર્ષ પછી મારી તબિયત બગડવાને કારણે અમે એ રેસ્ટોરન્ટ વેચી દીધી અને લેસ્ટર પરત આવ્યા. કુટુંબનો ખૂબ જ સહકાર હતો એટલે બીજે કયાંય ધંધો વધારવો નહિ અને લેસ્ટર પૂરતું જ ધ્યાન કેન્દ્રિત રાખવું એવી સ્વજનો તરફથી સલાહ મળી. બેસી રહેવાનો મારો સ્વભાવ નહિ એટલે કેટરીંગ શરૂ કર્યું અને બર્થ ડે, સગાઇ, લગ્ન અને કોર્પોરેટ સમારોહના ઓર્ડરો મળવા લાગ્યા. ઇશ્વરકૃપાથી ૨૦૦૪માં બ્રુઅરીએ લેસ્ટરમાં જ અમને ફ્રી હોલ્ડ જગ્યા આપી. ચાર એકરની વિશાળ જગ્યા એટલે પાછળ સરસ ગાર્ડન બનાવ્યું અને સમર પાર્ટી અને સમર ફેસ્ટીવલ કરવાનું ચાલું કર્યું. અહીંની અચોક્કસ વેધરના કારણે કોઇપણ પ્રોગ્રામ કરીએ ત્યારે વરસાદ પડતો હોય, ઠંડી અને પવન હોય આવા બધા કારણોસર અમે એ કોન્સેપ્ટ બંધ કર્યો. પરંતુ રેસ્ટોરન્ટમાં સ્થાનિક લોકોનો અમને ખૂબ સારો આવકાર મળતાં કેટરીંગના ઓર્ડરો મળવા લાગ્યા. અમે વર્ષના ૧૦૦ ફંકશન કરીએ જેમાં ૪૫૦ થી ૫૦૦ માણસોને અમે રસોઇ પીરસીએ છીએ. લંડનની એક હોટેલમાં સૌથી મોટું કેટરીંગ કર્યું હતું જેમાં ૧૫૦૦ માણસોને ૫૪ જેટલી શુધ્ધ શકાહારી વાનગીઓ પીરસી હતી.”

જગદીશભાઇ ઘેલાણી કહે છે કે, “ઇન્ડીગો"ની લોકપ્રિય વાનગીઓ ઇન્ડો ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન તો અમે કરીએ જ છીએ સાથે સાથે અમારા કેટલાક કુશળ શેફની માસ્ટરી અને કુટુંબની ધગશને કારણે જુદા જુદા કુઝીન્સ શરૂ કર્યા છે. જેમાં પંજાબી, ગુજરાતી, ઇટાલીયન, મેકસીકન અને લેબનીસ જેવી અનેક વાનગીઓ અમે બનાવીએ છીએ. આ બધુ કરતા હોવાથી કેટલાક જાણીતા કેટરર્સ અમારી પાસે સબ કોન્ટ્રાકટીંગ કરે છે. તે લોકોની ઘણી વાનગીઓ અમે ઓન સાઇટ પણ બનાવીએ છીએ અને જે તે જગ્યાએ કે રેસ્ટોરન્ટમાં પહોંચતી કરીએ છીએ.”

“ઇન્ડીગો" પાસે જરૂરી મેનપાવર છે, રસોઇની નિપૂણતા છે, જગ્યા છે અને સગવડતા છે તો ફરસાણ અને મિષ્ટાન કેમ ના બનાવી શકીએ? એવું વિચારી અમે અમારા કીચનમાં ફ્રેશ ફરસાણ દા.ત. ગાંઠિયા, પાટા ગાંઠિયા, સેવ-મમરા, ઝીણી સેવ, ચેવડો, ફરાળી ચેવડો, ફરસી પુરી, ચકરી, ખારા-મીઠા શક્કરપારા, ચોળાફળી બનાવવાનું શરૂ કર્યું. સાથે સાથે તમામ જાતની મિઠાઇઓ જેમાં છ જાતની બરફી, ચાર જાતના પેંડા, ગાંઠિયા સાથે જલેબી, સંભારો, મોહનથાળ, મગજ, ચૂરમાના લાડુ, બુંદી અને મોતીચૂરના લાડુ તદઉપરાંત દાળ કચોરી, મટર કચોરી, ભજીયા, હાંડવો, ઢેબરા, થેપલા, ખાંડવી, ઢોકળા સાથે સાથે ઇન્સટંટ થઇ શકે એવી વાનગીઓમાં ચણા પેટીસ, જુદી જુદી જાતના ચાટ્સ અને ફુલ ટિફિન (£૬.૫૦) આપીએ છીએ. આ બધી આઇટેમ્સ ઇન્ડીગો લેસ્ટરમાં તો મળે છે અને હવે આપને ઇસ્ટ લંડનમાં પણ મળી શકશે.

આપને ત્યાં ક્રિસમસ કે ન્યૂ યર પાર્ટી હોય તો અમે આપને જરૂર આપને મનપસંદ વાનગીઓ, ફરસાણ અને મિષ્ટાન અોર્ડર મુજબ પૂરાં પાડીશું. લેસ્ટર ઉપરાંત લંડનમાં કોઇપણ જગ્યાએ દરેક શુભ પ્રસંગે અમે કેટરીંગની જરૂરીયાત પૂરી પાડીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter