સામગ્રી: મશરૂમ - 8થી 10 નંગ • ચોરસ સમારેલાં કેપ્સિકમ - 1 નંગ • ઝીણી સમારેલી ડુંગળી - 3 નંગ • સમારેલાં ટામેટાં - 3 નંગ • સૂકા લાલ મરચાં - 3 નંગ • આખા ધાણા - 2 ચમચી • તેલ - 2 ચમચી • કસૂરી મેથી - 1 ચમચી • લસણની પેસ્ટ - 1 ચમચી • આદુંની પેસ્ટ - 1 ચમચી • ગરમ મસાલો પાઉડર - 2 ચમચી • આમચૂર પાઉડર - 1 ચમચી • લાલ મરચું પાઉડર - 2 ચમચી • મીઠું સ્વાદ મુજબ
રીત: સૌપ્રથમ મશરૂમને ધોઈ કોરાં કરીને મોટા ટુકડામાં કાપી લેવા. કેપ્સિકમને પણ ચોરસ ટુકડામાં કાપીને બાજુ પર મૂકી દો. નોનસ્ટિકમાં થોડું તેલ ગરમ કરીને મશરૂમ ઉમેરવા. પાંચ મિનિટ સુધી મધ્યમ તાપે ચડવા દો. હવે તેમાં કેપ્સિકમ ઉમેરીને બીજી ચારથી પાંચ મિનિટ સુધી સાંતળો. સાંતળેલા મશરૂમ અને કેપ્સિકમને એક પ્લેટમાં લઈ લો. સૂકા લાલ મરચાં અને આખા ધાણાને મિક્સરમાં અધકચરા વાટી લેવા. એક પેનમાં ૪ ટેબલસ્પૂન તેલ ગરમ કરી એમાં કસૂરી મેથી ઉમેરવી. સમારેલી ડુંગળી, આદું અને લસણની પેસ્ટ ઉમેરીને બીજી બેથી ત્રણ મિનિટ સુધી સાંતળવું. ક્રશ કરેલાં આખા ધાણા અને આખા લાલ મરચાંનો પાઉડર ઉમેરીને બરાબર હલાવી લેવું. ડુંગળી હલકી બ્રાઉન રંગની થાય એટલે તેમાં ટામેટાં ઉમેરીને બરાબર હલાવી લેવું. તેમાંથી તેલ છૂટું પડે એટલે દોઢ કપ પાણી ઉમેરવું. કસૂરી મેથી, આમચૂર પાઉડર અને ગરમ મસાલો ઉમેરીને હલાવી લેવું. આ ગ્રેવીમાં મશરૂમ, કેપ્સિકમ, મીઠું અને લાલ મરચાંનો પાઉડર ઉમેરી લેવો. ગરમાગરમ કડાઈ મશરૂમને પરાઠાં, રોટલી, નાન અથવા રાઇસ સાથે પીરસવું. આ કડાઈ મશરૂમ બાળકોને અને વડીલોને બહુ પસંદ પડે છે. એને વ્યક્તિગત પસંદગીના સ્વાદ પ્રમાણે સ્પાઇસી કે પછી ઓછા મરચાંવાળું બનાવી શકાય છે.