કાજુ-પિસ્તા રોલ

રસથાળ

Friday 18th October 2024 07:11 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: કાજુ - 2 કપ • ખાંડ - 1 કપ • ઘી - 3 ચમચી (સ્ટફિંગ માટે) • પિસ્તા - 1 કપ • ગ્રીન ફૂડ કલર - ચપટી • બૂરું ખાંડ - અડધો કપ • ઈલાયચી પાઉડર - પા ચમચી • ઘી - 1 ચમચી
રીત: કાજુને મિક્સરમાં ક્રશ કરીને ચાળી લો. પોણો કપ પિસ્તાને પણ મિક્સરમાં ક્રશ કરીને ચાળી લો. બાકીના પિસ્તાને બારીક સમારી લો. હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે બાઉલમાં પિસ્તા પાઉડર, સમારેલાં પિસ્તા, બૂરું ખાંડ, ઘી અને ઈલાયચી પાઉડર લો અને એકદમ મિક્સ કરો. બે ચમચી દૂધમાં ચપટી ગ્રીન કલર મિક્સ કરીને આ મિશ્રણમાં રેડો. બધું સારી રીતે હલાવીને સ્ટફિંગ તૈયાર કરો. હવે એક પેનમાં ખાંડ ડૂબે એટલું પાણી લઈને ચાસણી તૈયાર થવા મૂકો. ખાંડ ઓગળે એટલે તેમાં કાજુ પાઉડર અને ઘી મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી મિશ્રણ તળિયે ચોંટે નહીં. મિશ્રણમાં ગાંઠા ન પડે તે ખાસ જૂઓ અને મિશ્રણ લચકા જેવું થાય એટલે ગેસ બંધ કરી દો. એક લાંબી પ્લાસ્ટિક શીટને ઘી લગાવીને ગ્રીસ કરો. તૈયાર થયેલા મિશ્રણને પાથરી તેની ઉપર બીજું પ્લાસ્ટિક પાથરી વેલણ વડે હળવા હાથે વણતા જાઓ. મોટો રોટલો વણાઈ જાય એટલે ઉપરનું પ્લાસ્ટિક હટાવી તેના પર પિસ્તાનું સ્ટફિંગ પાથરો. હવે કાજુ-પિસ્તાના મિશ્રણનો ટાઈટ રોલ વાળતા જાઓ. આમ, એક લાંબો રોલ તૈયાર થશે. આ રોલને ફ્રિજમાં એક કલાક સેટ થવા દો. ત્યારબાદ બહાર કાઢી કાપા પાડી, ચાંદીના વરખથી સજાવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter