સામગ્રીઃ અઢી કપ - નાળિયેરનું દૂધ • અડધો કપ - જાડી ભુક્કો કરેલી મગફળી • 2 ટેબલસ્પૂન - ચણાનો લોટ • 2 ટેબલસ્પૂન - તેલ • 1 ટીસ્પૂન - જીરું • બે ટીસ્પૂન - ઝીણાં સમારેલાં મરચાં • પોણો કપ - ઝીણી સમારેલી કાકડી • પોણો કપ - ઝીણાં સમારેલાં ટામેટાં • મીઠું સ્વાદાનુસાર • બે ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
રીતઃ એક બાઉલમાં નાળિયેરનું દૂધ અને ચણાનો લોટ મિક્સ કરીને સારી રીતે ફીણી લો. આ મિશ્રણમાં ગઠ્ઠા ના રહેવા જોઇએ. એક ઊંડા નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરીને તેમાં જીરું નાંખો. દાણા તતડવા માંડે ત્યારે તેમાં ઝીણાં સમારેલા લીલાં મરચાં મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકન્ડ સુધી સાંતળી લો. એ પછી તેમાં નાળિયેરનું દૂધ અને ચણાના લોટનું મિશ્રણ મેળવીને સારી રીતે મિક્સ કરો. મધ્યમ તાપ પર ત્રણથી ચાર મિનિટ સુધી સતત હલાવતા રહીને રાંધી લો. આ પછી તેમાં કાકડી, ટામેટાં, મગફળી, મીઠું અને અડધો કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર બેથી ત્રણ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધી લો. છેલ્લે તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો. તરત જ ગરમાગરમ પીરસો.