સામગ્રીઃ એક ઝૂડી પાલકની ભાજી
(ખીરું તૈયાર કરવા) અડધો કપ ચણાનો લોટ • અડધી ટીસ્પૂન હળદર • એક ટીસ્પૂન લાલ મરચાંની ભૂકી • અડધી ટીસ્પૂન ધાણાજીરું • એક ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ • પા ટીસ્પૂન બેકિંગ સોડા • પાણી • મીઠું સ્વાદ પ્રમાણે • તળવા માટે તેલ
રીતઃ પાલકની ભાજી સાફ કરીને એનાં ફક્ત પાન લઈ લો. પાન સારી રીતે સૂકાં કરી દેવાં. ખાસ ધ્યાન રાખજો કે પાન એકદમ સૂકાં હોવાં જોઈએ નહીં તો ભીનાં પાનને લીધે પકોડાં ક્રિસ્પી નહીં લાગે. લાંબાં પકોડાં ગમતાં હોય તો પાનને આખાં જ રાખો. નાનાં પકોડાં માટે પાનનાં બે કે ત્રણ ટુકડા કરો. હવે એક બાઉલમાં ખીરું બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરો. ધીમે-ધીમે પાણી ઉમેરતા જઈને જાડી પેસ્ટ તૈયાર કરો. આખેઆખાં પાલકનાં પાન પર ખીરાનું કોટિંગ થઈ શકે એટલું જાડું ખીરું હોવું જરૂરી છે. તૈયાર થયેલા ખીરાને ૧૫ મિનિટ માટે સાઇડ પર મૂકી દો. તેલને વધુ આંચે ગરમ કરવા મૂકો. પાલકનાં પાનને ખીરાની અંદર આખું બોળી ગરમ થયેલા તેલમાં તળવા મૂકો. તાપ ધીમો કરો. બન્ને સાઇડથી સરખાં તળાય એટલે બહાર કાઢી ટોમેટો સોસ અને કોથમીરની ચટણી સાથે ગરમ- ગરમ સર્વ કરો.