સામગ્રીઃ આઠ મધ્યમ કદના બટાટા • ત્રણ ચમચા તેલ • એક ગ્રીન કેપ્સિકમ • એક કાંદો • પાંચ-છ લસણની કળી • આઠ-દસ તાજાં બટન મશરૂમ • એક ગાજર • ત્રણ ચમચા ખમણેલું પનીર • ત્રણ ચમચા ખમણેલું ચીઝ • અડધી ચમચી સૂકા હર્બ્સનો ભૂકો • પા ચમચી મરીનો ભૂકો • મીઠું સ્વાદ અનુસાર
રીતઃ કેપ્સિકમ અને કાંદાને બારીક સમારી લો. લસણની કળીની પેસ્ટ બનાવી લો. મશરૂમના નાના ટુકડા કરી લો. ગાજરને ખમણી લો. બટાટાને ધોઈને લૂછી લો અને એમાં કાંટા વડે કાણાં પાડી દો.
પેપર ટોવેલ પર બટાટાને મૂકીને માઇક્રોવેવ હાઈમાં ઢાંક્યા વગર પાંચ મિનિટ સુધી બેક કરો. પછી બટાટાને ઊલટાવી લો અને બીજી પાંચથી છ મિનિટ સુધી બટાટા સોફ્ટ થાય ત્યાં સુધી બેક કરો. બટાટાને બહાર કાઢીને એના બે ભાગ કરો અને વચ્ચેનો પલ્પ કાઢી લો. પલ્પને કાંટા વડે છૂંદી લો. બટાટાની છાલનો જે ભાગ રહ્યો છે એને માઇક્રોવેવ ડિશમાં મૂકો અને એની અંદર અને બહાર તેલ લગાવીને ફરીથી આઠેક મિનિટ સુધી ઢાંક્યા વગર માઇક્રોવેવ હાઈ પર બેક કરવા મૂકો, જેથી છાલ ક્રિસ્પી થઈ જશે.
માઇક્રોવેવ બાઉલમાં કેપ્સિકમ, કાંદા, લસણ, મશરૂમ, ગાજર, પનીર અને હર્બ્સ મિક્સ કરીને એમાં મીઠું, મરી અને બાકી રહેલું તેલ ઉમેરો. એને ઢાંકીને માઇક્રોવેવ હાઈ પર પાંચ મિનિટ સુધી રહેવા દો. શાકભાજી નરમ થઈ જાય એટલે એમાં બટાટાનો માવો મિક્સ કરો અને તૈયાર થયેલું પૂરણ બટાટાની છાલની અંદર ભરો. એના પર ખમણેલું ચીઝ છાંટીને ફરીથી માઇક્રોવેવ હાઈ પર ત્રણ મિનિટ સુધી રાખો અને તરત જ સર્વ કરો.