સામગ્રીઃ બે કપ સમારેલાં ગાજર • બે કપ સમારેલી મેથીની ભાજી • એક ટીસ્પૂન જીરું • ત્રણ કપ ઝીણા સમારેલા કાંદા • ત્રણથી ચાર નંગ ઝીણાં સમારેલાં લીલાં મરચાં • એક મોટી કળી લસણની • એક ટીસ્પૂન ઝીણું સમારેલું આદું • એક ટીસ્પૂન હળદર • બે ટીસ્પૂન ધાણા પાઉડર • બે ટીસ્પૂન તેલ • મીઠું સ્વાદાનુસાર
રીતઃ એક નોનસ્ટિક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું નાંખો. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કાંદા, લીલાં મરચાં, લસણ અને આદું મેળવીને મધ્યમ તાપ પર બે મિનિટ સુધી સાંતળી લો. એ પછી તેમાં મેથી મેળવીને મધ્યમ તાપ પર વધુ બે મિનિટ સુધી સાંતળી લો. છેલ્લે તેમાં ગાજર, હળદર, ધાણા પાઉડર, મીઠું અને એક કપ પાણી મેળવીને સારી રીતે મિક્સ કરી લો. કઢાઈને ઢાંકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય અને ગાજર બરાબર રંધાઈ જાય ત્યાં સુધી રાંધી લો. રોટલી સાથે ગરમ ગરમ પીરસો.